5000 રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવા બદલ પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં…જાણો વિગત

ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણનો મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સીઆર પાટીલ સામે પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં અરજી કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં PIL ફાઈલ કરી છે.

પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને જણાવ્યું છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રમુખ ચંદ્રકાંત આર પાટીલ સામે જાહેર હિતની 36 પાનાની અરજી કરી છે. તેમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી સામે “અન-ઓથોરાઝ઼ડ ડિસ્ટીબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન” ના મુદ્દે જવાબ માંગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી.

એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.

Shah Jina