રાજકોટની અંદર 20 જ દિવસમાં 3 સગા ભાઈઓને ભરખી ગયો કોરોના, પ્રખ્યાત “પન્નાલાલ ફ્રૂટ્સ”નો આધાર સ્તંભ તૂટી પડ્યો

કોરોનાએ ઘણા પરિવારોને વેર-વિખેર કરી નાખ્યો છે. ઘણી એવી ખબરો આવે છે જે હૃદયને પણ તકલીફ પહોચાવે. હાલ રાજકોટમાં એવી જ એક ઘટનાના કારણે એક આખા પરિવાર માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

રાજકોટના જાણિતા “પન્નાલાલ ફ્રૂટવાળા” જસાણી પરિવારના ત્રણ-ત્રણ પુત્રોને માત્ર 20 જ દિવસમાં કાળમુખો કોરોના ભરખી જતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે. વયોવૃદ્ધ માતા-પિતાને આ ઉંમરે દીકરાઓની અર્થીઓ ઉઠતા જોઈને ઊંડો આઘાત પણ લાગ્યો છે.

રાજકોટના જાગનાથ વિસ્તારમાં પન્નાલાલ ફ્રુટવાળા નામથી વર્ષો જૂની પેઢી ધરાવતા અને સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહેતા જસાણી પરિવારમાં છેલ્લા 20 દિવસમાં પરિવારના સ્તંભ સમાન ત્રણ ત્રણ દિકરાના કોરોનાથી મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. કુટુંબીજનોના હૈયાફાટ રૂદને પથ્થરસમા કઠણ કાળજાના વ્યકિતને પણ પીગળાવી અને થથરાવી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 3 એપ્રિલના રોજ સૌથી મોટા પુત્ર ઓમપ્રકાશ લક્ષ્મણદાસ જસાણી કોરોના સંક્રમિત થયા હતા. ધીમે ધીમે તેમનું ઓક્સિજન પ્રમાણ ઘટતા 13 એપ્રિલના રોજ 60 વર્ષની ઉંમરે તે કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા હતા અને નિધન થયું હતું. ત્યારબાદ 8 એપ્રિલના રોજ તેમના નાના ભાઇ ગિરીશભાઇ લક્ષ્મણભાઇ જસાણી કોરોના સંક્રમિત થયા હતા અને 22 એપ્રિલના રોજ 47 વર્ષની ઉંમરે તેમને કોરોના સામે દમ તોડી આખરી શ્વાસ લીધા હતા.

હજુ તો પરિવારની આંખમાં આંસુ સુકાયા ન હતા ત્યાં સૌથી નાના ભાઇ યશવંતભાઇ જસાણીની 20 એપ્રિલના તબિયત લથડતા તેમનો જીવ બચાવવા પરિવારે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેઓ તેમને પણ બચાવી શક્યા ન હતા અને 3 મેના રોજ 45 વર્ષની ઉંમરે કાળમુખો કોરોના તેમને પણ ભરખી ગયો હતો.

આમ માત્ર 20 દિવસના અંતરાલમાં જ પરિવારના 3-3 પુત્રોના નિધનથી આખા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પન્નાલાલ ફ્રૂટવાળા રાજકોટનું એક જાણિતું નામ જે લોક મોખરે રહેતું હોય છે. તેઓ રાજકોટના ન્યૂ જાગનાથ અને વિરાણી ચોક ખાતે પેઢી ધરાવે છે જે છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે.

Niraj Patel