ખબર

દર્શન માટે જઇ રહેલા શ્રદ્ધાળુઓને રોન્ગ સાઇડથી આવી રહેલ ડંપરે મારી ટક્કર, 7 શ્રદ્ધાળુઓની મોત

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર તેજ રફતાર વાહને કારણે તો ઘણીવાર રોન્ગ સાઇડથી આવતા વાહનોને કારણે અકસ્માતોની ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એક ભયાનક અકસ્માતની ખબર સામે આવી છે, જેમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં જેસલમેરના રામદેવરા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે એક ઝડપી ટ્રોલીએ ટ્રેક્ટરને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘાયલોને શિવપુર અને સુમેરપુર શહેરોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતનો ભોગ બનેલા તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે, સુમેરપુર હાઈવે પર અકસ્માત બાદ વન-વે રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન 25 જેટલા ભક્તોથી ભરેલું આ ટ્રેક્ટર બે ટ્રેલર વચ્ચે ચાલી રહ્યું હતું. પાછળથી આવતા ટ્રેલરે ટ્રોલીને ટક્કર મારી હતી. ટ્રોલી સહિત શ્રદ્ધાળુઓ કૂદીને ચાલતા ટ્રેલરની દિશામાં પડ્યા હતા. અથડામણને કારણે ટ્રેક્ટર આગળ જતા ટ્રેલર સાથે અથડાયું હતું અને બે ટ્રેલર વચ્ચે ફસાઈ ગયું હતું.

તમામ શ્રદ્ધાળુઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અને મોટાભાગના કુકડી ગામના હોવાનું કહેવાય છે. અકસ્માતની માહિતી મળતાં જ સિરોહીના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાલી કલેક્ટર અને એસપી પણ સુમેરપુર જવા રવાના થયા હતા.વડાપ્રધાન કાર્યાલયે પણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. પીએમઓ વતી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના પાલીમાં થયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે.દુઃખની આ ઘડીમાં અમારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે પાલી જિલ્લાના રામદેવરા દર્શન કરવા જઈ રહેલા અનેક શ્રદ્ધાળુઓના માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર દુઃખદ છે. આ દુખમાં મૃતકોના આત્માને શાંતિ અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના. રાજસ્થાન બીજેપી અધ્યક્ષ સતીશ પુનિયાએ ટ્વીટ કરીને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે રાજ્ય સરકારને જેસલમેરમાં રામદેવ મંદિરમાં આવનારા ભક્તો માટે કેટલીક વિશેષ વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરી હતી.