પાકિસ્તાન સરકાર માટે અમે લાવારિસ છીએ, અમને સાવ એકલા છોડી મુક્યા છે – જુઓ વાયરલ વીડિયો

કટોકટીગ્રસ્ત યુક્રેનની લડાયક જેટ માટેની અપીલ સફળ થતી જણાય છે. યુરોપીય સંઘે રશિયા સામે લડવા માટે કિવને ફાઈટર જેટ આપવાનો નિર્ણય કર્યો છે. સંઘની વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે આ વાતની પુષ્ટિ કરી છે.  બોરેલના જણાવ્યા અનુસાર, “અમે યુક્રેનને ફાઇટર જેટ પણ આપવાના છીએ. અમે માત્ર દારૂગોળાની વાત નથી કરી રહ્યા. અમે યુદ્ધ માટે વધુ જરૂરી શસ્ત્રો પૂરા પાડી રહ્યા છીએ.”

(પ્રતીકાત્મક તસવીર)

યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ અગાઉ યુરોપિયન યુનિયનને વિનંતી કરી હતી, તેમને યુક્રેનિયન સૈન્ય સંચાલન કરવા સક્ષમ હોય તેવા પ્રકારના લડવૈયાઓની જરૂર છે. કેટલાક સભ્ય દેશો પાસે આવા વિમાનો છે. બીજી તરફ યુરોપિયન યુનિયને બેલારુસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો રશિયા તેના પાડોશી બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કરવા જઈ રહ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ સંદર્ભમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત અમેરિકાએ બેલારુસની રાજધાની મિન્સ્ક સ્થિત દૂતાવાસમાં પોતાનું કામ બંધ કરી દીધું છે, જ્યારે અમેરિકા રશિયાની રાજધાની મોસ્કોથી પોતાના નોન-ઈમરજન્સી સ્ટાફ અને તેમના પરિવારોને પરત બોલાવી રહ્યું છે.

તો બીજી તરફ ભારતના ઓપરેશન ગંગાને જોઈને પાકિસ્તાની વિદ્યાર્થીઓ તેમની ઈમરાન ખાન સરકાર ઉપર નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કારણ કે હજારો પાકિસ્તાની વિદ્યાર્થીઓ હાલમાં યુક્રેનની અંદર ફસાયેલા છે. યુક્રેનમાં ફસાયેલા પાકિસ્તાની વિધાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમ એક વિધાર્થીની રડતા રડતા પોતનું દુઃખ વ્યક્ત કરી રહી છે અને જણાવી રહી છે કે પાકિસ્તાની સરકાર અમારી કોઈ મદદ કરી નથી રહ્યું. અમને સાવ એકલા છોડી મુક્યા છે. પાકિસ્તાન સરકાર માટે અમે લાવારિસ છીએ.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તેઓ રડી રહ્યા છે અને સાથે જ ભારતના વખાણ કરી રહ્યા છે અને તેમના દેશ પાકિસ્તાનને ફરિયાદ કરી રહ્યા છે. ભારતે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા 1300થી વધુ ભારતીય લોકોને બહાર કાઢ્યા છે. ત્યારે હવે પાકિસ્તાની વિધાર્થીઓ ઓપરેશન ગંગાનું ઉદાહણ આપીને ઇમરાન ખાન સરકાર ઉપર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા એક પાકિસ્તાની વિદ્યાર્થીએ વીડિયો ટ્વીટ કરીને કહ્યું, “ભારત અમારા કરતા સારું છે. અહીં ફસાયેલા ભારતીયોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી, તેમને તેમના દેશમાં લઈ જવામાં આવી રહ્યા છે. અમે પાકિસ્તાની હોવાના કારણે નુકસાનમાં છીએ.” ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે જતા જોઈને પાકિસ્તાનીઓ તેમની સરકારની ટીકા કરી રહ્યા છે. ઘણા લોકોપાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ પોતાનો જીવ બચાવીને એકલા રશિયાથી ભાગી ગયા છે.

યુક્રેનમાં પાકિસ્તાનની એમ્બેસીમાં પૈસા નથી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની વિદ્યાર્થીઓએ મદદ માટે દૂતાવાસનો સંપર્ક કર્યો, ત્યારે દૂતાવાસે એમ કહીને હાથ ઊંચા કરી દીધા કે તેમની પાસે ફંડ નથી. આ પછી પાકિસ્તાની વિદ્યાર્થીઓએ વીડિયો બનાવીને તેમના દૂતાવાસની ગરીબીનો પર્દાફાશ કર્યો હતો.

તો બીજી તરફ પાકિસ્તાનના વિપક્ષી નેતા અને પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફની દીકરી મરિયમ નવાજ પણ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર ઉપર પ્રહાર કરતી જોવા મળી હતી. તેને પણ એક ટ્વીટ કરીને ઇમરાન ખાનની સરકારને પૂછ્યું હતું કે, “યુક્રેનમાં ફસાયેલા પાકિસ્તાની વિધાર્થીઓને કોઈ બહાર કાઢનારું છે ?”

Niraj Patel