છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અંગદાનના અવાર નવાર કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે હાલમાં વધુ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના બોપલ ખાતે રહેતા નિશાંતભાઇનો અકસ્માત થયો હતો અને તે બાદ તેમને બોપલની BITC Super speciality હોસ્પિટલમાં 18 માર્ચ 2022 શુક્રવારના રોજ દાખલ કરવામાં આવ્યા જ્યાં બ્રેનડેડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તે બાદ તેમને વધુ સારવાર અર્થે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા અને ત્યાં તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તે બાદ પરિવાર દ્વારા અંગદાન કરવાનો હિંમત ભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નિશાંતભાઇનું હ્રદય, 2 કિડની, આંખો અને લિવર જેવા અંગોનું દાન કરવામાં આવ્યું. નિશાંતભાઇનું હૃદય મુંબઈ ખાતેની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું હતુ, જયારે તેમની કિડની અને લીવર જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, નિશાંતભાઈની સ્થિતિ નાજૂક હોવાને કારણે તેમને કિડની હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા.
જયાં સારવાર દરમિયાન તજજ્ઞ તબીબોની ટીમે નિશાંતભાઈને બ્રેનડેડ જાહેર કર્યા અને તે બાદ હોસ્પિટલ તરફથી પરિવારના સ્વજનોને અંગદાન અંગે સમજ આપવામાં આવી. જો કે, પરિવાર માટે તાત્કાલિક આ નિર્ણય લેવો સરળ ન હતો પરંતુ તો પણ અનેક લોકોને નવું જીવન મળે છે તે વિચારથી પરિવારે હામી ભરી અને આખરે નિશાંતભાઇના અંગોનું દાન કર્યુ. નિશાંતભાઇના પરિવાર દ્વારા આ નિર્ણય ધુળેટીના દિવસે જ લેવામાં આવ્યો હતો.

પરિવારે ધુળેટીના દિવસે દીકરો તો ગુમાવ્યો પરંતુ અંગદાન કરી 6 લોકોને નવુ જીવન આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગત 13 માર્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 40મું અંગદાન થવાથી ત્રણ જરૂરિયાતમંદ પીડીત દર્દીઓને નવજીવન મળ્યું હતુ. સિવિલ હોસ્પિટલના ડોકટર રાકેશ જોષી અનુસાર, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 મહિનામાં 40 અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે.
આ દાન થકી 122 અંગો દ્વારા 106 જરૂરિયાતમંદ પીડીત દર્દીઓને નવજીવન મળ્યું છે. જણાવી દઇએ કે, છેલ્લા એકાદ વર્ષમાં અંગદાન અંગે સતત જાગૃતિ વધતી જોવા મળી રહી છે. આ નિર્ણય લેવો એ કોઈપણ પરિવાર માટે જરા પણ સરળ નથી, પરંતુ ડોક્ટરના પ્રયાસ અને પરિવારજનોની સંમતીને કારણે અંગદાનથી સતત ઘણા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે.