અમદાવાદના આ ભાઈએ ઓનલાઇન ઓર્ડર કર્યું લેપટોપ, ખોલીને જોયું તો નીકળ્યા સાબુ, કંપનીએ કહ્યું, “નો રિટર્ન પોલિસી”, જાણો સમગ્ર મામલો

તહેવારોની સીઝન શરૂ થવાની સાથે જ ઈ કોમર્સ વેબસાઈટ ઉપર સેલની પણ શરૂઆત થઇ ગઈ છે. જેના કારણે ઘણા લોકો આવી ઈ કોમર્સ વેબસાઈટ ઉપરથી સસ્તામાં સામાન પણ મંગાવતા હોય છે. પરંતુ ઘણીવાર આવી રીતે સામાન મંગાવતી વખતે લોકો છેતરામણીનો પણ ભોગ બને છે. કેટલાક લોકો સાથે ઓનલાઇન પણ ફ્રોડ થાય છે અને ઘણીવાર જે સામાન મંગાવ્યો હોય તેના બદલે બોક્સમાંથી કંઈક બીજું જ નીકળે છે.

હાલ એક એવો જ મામલો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક યુવકે ખ્યાતનામ ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ડ ઉપરથી એક લેપટોપ મંગાવ્યું પરંતુ જયારે પાર્સલ ઘરે આવ્યું ત્યારે ખોલીને જોયું તો અંદરથી સાબુ નીકળ્યા. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, IIM અમદાવાદના અંડરગ્રેજ્યુએટ યશસ્વી શર્માએ બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન લેપટોપનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકે આ લેપટોપ તેના પિતા માટે મંગાવ્યું હતું.

પરંતુ જ્યારે ડિલિવરી થઈ ત્યારે લેપટોપને બદલે ફ્લિપકાર્ટ પરથી ઘડિ ડિટર્જન્ટના પેક મળ્યા. જ્યારે યશસ્વીએ ફ્લિપકાર્ટ કસ્ટમર કેરમાં આ અંગે ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. આઈઆઈએમ અંડરગ્રેજ્યુએટે લિંક્ડઈન પર એક પોસ્ટ દ્વારા તેની સાથેની આ ઘટના વિશે જણાવ્યું.

જેમાં તેણે કહ્યું કે મેં કંપનીને ખોટા ઓર્ડર અંગે ફરિયાદ કરી તો અધિકારીઓએ પોતાની ભૂલ સુધારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેણે કહ્યું કે તેની પાસે સીસીટીવી પુરાવા છે જે સાબિત કરે છે કે લેપટોપને બદલે ઘડિનો સાબુ પહોંચાડવામાં આવ્યો છે. તેમ છતાં કંપની તરફથી ઇનકાર કરવામાં આવી રહ્યો છે.

જો કે, યશસ્વીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડિલિવરી દરમિયાન તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી ભૂલનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું કે ડિલિવરી બોય પાસેથી પેકેજ લેતી વખતે તેના પિતાએ એક ભૂલ કરી હતી કે તે ‘ઓપન બોક્સ’ ડિલિવરી સુવિધા વિશે જાણતા ન હતા. આ અંતર્ગત ગ્રાહકે ડિલિવરી એજન્ટની સામે પેકેજ ખોલવું પડશે અને સંતુષ્ટ થયા બાદ OTP જણાવવો પડશે. યશસ્વીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના પિતાએ ધાર્યું હતું કે પેકેજ પ્રાપ્ત કરવા પર OTP આપવાનો હતો, જે મોટાભાગની પ્રીપેડ ડિલિવરીનો કેસ છે.

યશસ્વીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મારી પાસે ડિલિવરી બોય દ્વારા બોક્સની તપાસ કર્યા વિના જ પાછા જવાના CCTV પુરાવા છે, તેની સાથે આ પેકેજને ઘરે અનબોક્સ કરવાના અને તેમાં કોઈ લેપટોપ ન હોવાના સંપૂર્ણ વીડિયો પુરાવા પણ છે. પરંતુ, આ બધા પુરાવાઓ સમજાવ્યા પછી પણ, ફ્લિપકાર્ટના વરિષ્ઠ ગ્રાહક સંભાળ એક્ઝિક્યુટિવ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ‘વળતર શક્ય નથી’. આ બાબતને વધુ આગળ લઈ શકાય તેમ નથી. તેમણે કહ્યું કે કંપનીની ઉદાસીનતાના કારણે આ મામલો સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવ્યો છે. યશસ્વીએ ફ્લિપકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિ અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને પણ પોસ્ટમાં ટેગ કર્યા છે.

Niraj Patel