દેશનું પહેલુ ડ્રાઇવર વગરનું સ્કૂટર OLA, સ્માર્ટ લર્નિંગ અને સેલ્ફ ચાર્જિંસ સહિત અનેક ખૂબીઓથી સજ્જ- જુઓ વીડિયો

OLA એ બતાવી ડ્રાઇવર વિના ચાલતા સ્કૂટરની ઝલક : OLA Solo ભારતનું પહેલુ ઓટોનોમસ ઇલેક્ટ્રિક સ્કૂટર, જેમાં સેલ્ફ ચાર્જિંગનું પણ ફીચર

ભારતની અગ્રણી રાઇડ-હેલિંગ કંપની OLA એ તેનું લેટેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર, ‘Ola Solo’ રજૂ કર્યું છે. ‘Ola Solo’ને ભારતનું પ્રથમ ઓટોનોમસ ઇલેક્ટ્રિક સ્કૂટર કહેવામાં આવી રહ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર તેની સંપૂર્ણ સ્વાયત્ત ક્ષમતાઓ અને અદ્યતન AI ટેક્નોલોજી સાથે શહેરી મુસાફરીમાં પરિવર્તન લાવવાનું વચન આપે છે. હાલમાં, તેના લોન્ચ અને કિંમત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ એક પ્રોટોટાઈપ છે. OLAના સીઈઓ ભાવિશ અગ્રવાલે કંપનીના આ નવા મોડલ વિશે માહિતી શેર કરી છે.

ઓલાએ તેને દેશનું પ્રથમ ઓટોનોમસ ઇલેક્ટ્રિક સ્કૂટર ગણાવ્યું. કંપનીએ તેને વ્હીલ્સ પરની ક્રાંતિ પણ ગણાવી. ઓલા ઈલેક્ટ્રીકનું નવું મોડલ ઓલા સોલો સામે આવ્યું, કંપનીએ ઓલા ઈલેક્ટ્રીકની સાઈટ પર ઓલા સોલો સાથે સંબંધિત એક વીડિયો શેર કરીને લોકોને આ ટેક્નોલોજીનો પરિચય કરાવ્યો છે. ઓલાનો દાવો છે કે આ ડ્રાઈવર વિનાનું સ્કૂટર સંપૂર્ણ રીતે ઓટોનોમસ છે. તે સ્પીડબમ્પ્સને શોધી શકશે અને ટ્રાફિકને 100 ટકા ડિટેક્ટ કરી શકશે. આ ઉપરાંત ઓલા એપની મદદથી વ્યક્તિ સરળતાથી ઓલા સોલો પર સવારી કરી શકે છે.

આ સ્કૂટર બનાવવામાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓલા સોલોમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર Ola ઈલેક્ટ્રીક મોડલને માર્કેટમાં હાજર તમામ સ્કૂટર્સથી અલગ બનાવે છે. આ સ્કૂટરનું ડ્રાઇવર વિનાનું હોવું આ ક્ષેત્રમાં મોટું પગલું છે. Ola Solo ના દરેક ભાગ અને ટેક્નોલોજી ઓલા દ્વારા જ વિકસાવવામાં આવી છે.

ઓલા સોલોમાં QUICKIE.AI ની મદદથી ગ્રાઉન્ડ-બ્રેકિંગ ટેક્નોલોજી જોડવામાં આવી છે, Ola Solo ચાલતા-ચાલતા તરત જ ડ્રાઇવિંગ સાથે જોડાયેલા ઘણા નિર્ણયો લેવામાં સક્ષમ છે. આ મોડલમાં ઓલા ઈલેક્ટ્રીકની પોતાની ચિપ LMAO9000 ઈન્સ્ટોલ કરવામાં આવી છે, જેના કારણે Ola Solo ટ્રાફિકને તરત જ ડિટેક્ટ કરી શકે છે. Ola Soloમાં સેલ્ફ ચાર્જિંગની સુવિધા પણ છે.

ઓલાનું આ સ્કૂટર ચાર્જિંગ પાવર ઓછો હોય ત્યારે નજીકના ચાર્જિંગ સ્ટેશનને આપમેળે શોધી કાઢશે અને આપમેળે ચાર્જિંગ સ્ટેશન પર જઈને ચાર્જ થઈ જશે. Ola Solo પર બેઠેલી વ્યક્તિએ તેના ચાર્જિંગ વિશે ચિંતા કરવાની જરૂર નથી. Ola Soloમાં લર્નિંગ સિસ્ટમ પણ ઉમેરવામાં આવી છે. ઓલા સોલો પોતાની દરેક રાઇડ એક્સપીરિયન્સમાંથી શીખતું રહેશે. આ માટે તેમાં JU-GUARDનું અલ્ગોરિધમ આપવામાં આવ્યું છે.

Shah Jina