ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર: શરુ થઇ ગયું ઓલા સ્કૂટરનું બુકીંગ, ફક્ત 499 રૂપિયા ભરીને કરી શકો છો બુકીંગ, 150 કિલોમીટર સુધીની છે રેન્જ

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવાની સાથે જ લોકો હવે કેવી રીતે પેટ્રોલ ડીઝલની બચત થઇ શકે તેના વિશે વિચારી રહ્યા છે. તો હવે ઇલેક્ટ્રિક વાહનોની માંગ પણ દેશભરમાં વધી રહી છે. આ દરમિયાન જ ઘણી કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહનો ભારતમાં લોન્ચ કરી રહી છે ત્યારે હવે ઓલા કંપનીએ પણ પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ ભારતમાં શરૂ કરી દીધું છે.

Ola Electric દ્વારા પોતાના પહેલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ ભારતમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘણા લાંબા સમયથી સ્કૂટરની રાહ જોવાઈ રહી હતી. કંપનીના ફાઉન્ડર ભાવીશ અગ્રવાલ દ્વારા ટ્વીટર ઉપર આ વાતની જાણકારી આપવામાં આવી છે.

ઓલા સ્કૂટરનું બુકીંગ ફક્ત 499 રૂપિયા ભરીને જ થઇ શકશે. આ રકમ પણ સંપૂર્ણ રીતે રિફંડેબલ હશે. કદાચ આવું પહેલીવાર બની રહ્યું હશે કે કોઈ ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ એમાઉન્ટ આટલું ઓછું હશે. કંપની આ સ્કૂટરની ડીલેવરી પોતાના પહેલા બુકીંગના આધારે કરશે. એટલે કે જે પહેલા બુક કરશે તેને પહેલી ડીલેવરી મળશે.

હાલમાં જ આ સ્કૂટરને ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન પણ સ્પોટ કરવામાં આવ્યું હતું. ભાવીશ અગ્રવાલ દ્વારા પણ આ સ્કુટરનો ટેસ્ટ ડ્રાઈવ લેવામાં આવ્યો હતો અને તેની લોન્ચિંગ સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ પણ શેર કરી હતી.

ઓલા કંપનીનું આ સ્કૂટર તામિલનાડુમાં બની રહેલી ફ્યુચરફેક્ટરીમાં તૈયાર થશે. કંપનીની આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક 2 વ્હીલર ફેક્ટરી છે.તેની ક્ષમતા વાર્ષિક 1 કરોડ ટુ-વ્હીલર બનાવવાની છે.

પહેલા ચરણની અંદર આ ફેકટરીમાં દર વર્ષે 20 લાખ ઇલેક્ટ્રીક સ્કૂટર તૈયાર કરવામાં આવશે. હાલમાં જ કંપની દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે તેની પહેલી બે મિલિયન યુનિટની વાર્ષિક ક્ષમતા હોવાનું ચરણ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે.

વાત જો કરીએ ઓલાના આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસિયતની તો આ સ્કૂટર ફક્ત 18 મિનિટમાં જ શૂન્યથી 50% ચાર્જ થઇ શકશે. જેનાથી લગભગ 75 કિલોમીટર સુધીની સફર આરામથી કાપી શકાશે.  ફૂલ ચાર્જ થવા ઉપર તેની રેન્જ લગભગ 150 કિલોમીટર હોવાની આશા છે. આ સ્કૂટરમાં કંપનીએ ફૂલ એલઇડી લાઈટ, ફાસ્ટ ચાર્જિંગ, ફ્રન્ટ ડિસ્કબ્રેક જેવા ફીચર્સ આપ્યા છે. ઓનલાઇન બાઈક વેચાણ કરતી કંપની દ્વારા આ સ્કૂટરની કિંમત 1 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી તેની યોગ્ય કિંમત સામે આવી નથી. કંપની દ્વારા આગામી સમયમાં તેની કિંમત જાહેર કરવામાં આવી શકે છે.  વધુ માહિતી માટે તમે ઓલા ઇલેક્ટ્રિક ડોટ  કોમ પર જોઈ શકો છો.

Niraj Patel