ચાલતી ટ્રેનમાંથી લોકોએ ડોલ ભરી ભરીને ચોરી કર્યુ તેલ, દોડી-દોડી લાઇન લગાવી સ્થાનિકોએ આવી રીતે નીકાળ્યુ તેલ

ધોળા દિવસે ચાલતી માલગાડીમાંથી ડોલ ભરી ભરીને તેલ ચોરી કરવાનો વીડિયો થયો વાયરલ, જુઓ

બિહારની રાજધાની પટનાથી થોડે દૂર ધોળા દિવસે તેલ ચોરી કરાતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. બિહટામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) ઓઈલ ડેપોમાં માલગાડી જાય તે પહેલા જ લોકો તેલ ચોરી કરતા હોવાની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઓઈલ માફિયાઓ રેલ ટેન્કરમાંથી ઓઈલ કાપે છે. જ્યારે રેલ ટેન્કર આવે છે, ત્યારે ઘણા લોકો હાથમાં ડ્રમ અને ડોલ લઈને તેલ ચોરી કરવાનું શરૂ કરે છે.

બિહટા વિસ્તારમાં ઓઈલ કટિંગનો આ ધંધો ઝડપથી વિકસી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ પટનામાં એક ગેરકાયદેસર તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ગેરકાયદેસર ગોડાઉન ગીચ વસ્તીવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું. જ્યાં ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં તેલનો સ્ટોક થતો હતો. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. જો કે, કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. વહીવટી તંત્ર પણ આ બાબતથી વાકેફ છે. આમ છતાં ઓઈલ ચોરીની ઘટનાઓ પર કોઈ અંકુશ નથી અને આવી ઘટનાઓ બાદ પણ વહીવટીતંત્ર કોઈ બોધપાઠ લેતું હોય તેમ દેખાતું નથી. જણાવી દઈએ કે બિહારમાં આ પ્રકારની ચોરીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ, બિહારના બાંકા જિલ્લાના રાજૌન બ્લોકમાં, વર્ષોથી ઉપયોગમાં લેવાતા બે કિલોમીટરના રસ્તાની ચોરી થઈ હતી અને તેના પર બીજ ખેડવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, અગાઉ બિહારના બેગુસરાયમાં રેલવે યાર્ડમાંથી આખા એન્જિનની ચોરીના સમાચાર સામે આવ્યા હતા અને તે પહેલા વર્ષોથી ઉપયોગમાં લેવાતા લોખંડના પુલની ચોરીના સમાચાર પણ સામે આવ્યા હતા.બિહટામાં લગભગ 3 દિવસ પહેલા ચોરોએ કરોડોના માલસામાન પર હાથ સાફ કર્યો હતો. રાજધાની પટનાને અડીને આવેલા બિહટામાં બદમાશોએ એક જ્વેલરી બિઝનેસમેનને નિશાન બનાવ્યો હતો.

Shah Jina