હાલ ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામેલો છે, હવામાન વિભાગ સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 2થી5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો અને સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.5 ઈંચ તેમજ ડાંગના આહવા અને વઘઈમાં 2 ઈંચ, નવસારીના વાંસદા તેમજ વલસાડમાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.

ખેડાના કપડવંજ અને નડિયાદમાં પોણા 2 ઈંચ વરસાદ જ્યારે 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આજે પણ રાજ્યમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવાર સવારમાં રાજ્યના 54 તાલુકામાં તો વરસાદ નોંધાઈ ચુક્યો છે. આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે જેમાં સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ જ્યારે તાપી, દમણ, દાદરા નગર હવેલી સહિત છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.

અંબાલાલે કહ્યું- આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આને કારણે વરસાદ યથાવત રહેશે. 3થી10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે અને 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. અંબાલાલે વધુમાં જણાવ્યું- 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે તાપી-નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે.

બુધ-શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે તેમ અંબાલાલે જણાવ્યુ છે. મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 13થી 15 ઓગસ્ટ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જ્યારે 16થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. 26થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે. 17 ઓગસ્ટથી મચ્છર-માખીઓનું જોર વધશે.

દરિયો હવે તોફાની બન્યો છે, જેને કારણે ફરી વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જો કે, આ વખતે વરસાદ આવશે પણ સાથે પવનને પણ ખેંચી લાવશે. ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે કારણ કે, અંબાલાલે કહ્યું કે, ગુજરાતમાં લગભગ 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જો આવું થશે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ઘણા સ્થળોએ છાપરા ઉડી જવાના બનાવ, અકસ્માતના કેસ, અને જૂના પુરાણા મકાનો તેમજ રસ્તા પરના મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની દહેશત છે. જણાવી દઇએ કે, હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

ખાસ કરીને કાંઠા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. અંદાજે 45 થી 50 કિ.મી. ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, ખેરા, આણંદ સહિત ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.