બોલીવુડની જાણીતી અભિનેત્રી નોરા ફતેહી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર કોવિડ પોઝિટિવ હોવાની વાત કરી હતી, જેના પછી ચાહકો તેની ચિંતા કરવા લાગ્યા હતા. નોરા ફતેહીએ જણાવ્યું કે તેની તબિયત બગડી છે. નોરાએ પોતે કોરોના હોવાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તે હાલમાં ક્વોરેન્ટાઇન છે અને ડોક્ટરોની દેખરેખમાં છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફેન્સને એક સંદેશ લખ્યો છે અને કહ્યું છે કે હું કોરોના સામે લડી રહી છું. કોરોનાએ મને ખરાબ રીતે ઘેરી લીધી છે. હું લાંબા સમયથી પથારીમાં હતી અને હવે હું ડોકટરોની દેખરેખ હેઠળ છું.
નોરાએ આગળ લખ્યુ, તમે બધા સુરક્ષિત રહો અને માસ્ક પહેરો. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને દરેકને અલગ રીતે અસર કરે છે. કમનસીબે મારી હાલત ખરાબ થઈ ગઈ છે અને તે કોઈને પણ થઈ શકે છે. હું મારી જાતને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છું અને તે સૌથી મહત્વપૂર્ણ છે. તમારા સ્વાસ્થ્ય કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહી સિંગર ગુરુ રંધાવા સાથે ‘ડાન્સ મેરી રાની’ના વીડિયોમાં જોવા મળી હતી. ગીત આવ્યા બાદ નોરા અને ગુરુ તેને સતત પ્રમોટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા બંને ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ અને ‘ધ કપિલ શર્મા શો’માં જોવા મળ્યા હતા. તેમજ સલમાન ખાનના શો “બિગબોસ 15″માં પણ ગીત પ્રમોટ કરવા પહોંચ્યા હતા. એવામાં હવે કપિલ શર્મા શોથી લઈને સલમાન ખાનના ‘બિગ બોસ 15’માં પણ ખતરો આવી શકે છે.
નોરાના કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગુરુ રંધાવા અને ડાન્સરના સંપર્કમાં આવનારા સ્ટાર્સે પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. નોરા ફતેહી પહેલા કપૂર પરિવારના અર્જુન કપૂર, રિયા કપૂર, અંશુલા કપૂર અને શિલ્પા શિદોરકર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હાલમાં જ કરીના કપૂર અને મલાઈકાની બહેન અમૃતા અરોરાએ કોરોનાને હરાવ્યો હતો અને કોરોના સામે જંગ જીતી તેઓએ ક્રિસમસની પાર્ટીમાં કમબેક કર્યુ હતુ.