ઢીંચણમાં ક્રેક પડ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ રખડતા ઢોર અંગે નિવેદન, આવા બનાવો બનતા રહેતા હોય છે, સ્વાભાવિક ઘટના છે. લાખો પશુઘનમાં

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના કડીમાં ભાજપ દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા હતા અને તેને કારણે તેમને ઇજા પહોંચી હતી. તેમને ઢીંચણમાં ક્રેક હોવાનું સામે આવ્યુ છે અને તેમને 20 દિવસ આરામ કરવાનું પણ કહેવામાં આવ્યુ છે. નીતિન પટેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં જોડાયા હતા. રેલી શહેરના 70 ટકા વિસ્તારમાં ફરી હતી.

અચાનક જ રેલીમાં દોડતી આવેલી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા અને તેને કારણે તેઓ પડી ગયા હતા.આ બાબતે તેમણે જણાવ્યુ હતુ કે, તેમના સિવાય પણ ચાર પાંચ લોકો પડ્યા હતા. આજુબાજુના કાર્યકરો અને પોલીસે તેમને ઘેરી ગાયને દૂર કરી હતી. તેમને પગે ઉભા રહેતું ન હોવાથી સમસ્યા લાગી અને તેને કારણે એક્સ રે કરાવવામાં આવ્યો અને તેમા ઢીંચણમાં ક્રેક દેખાતા સીટી સ્કેન કરાવતા 20 દિવસનો આરામ કરવા કહેવાયું.

નીતિન પટેલે રખડતા ઢોર અંગે કહ્યું કે, હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી. આવા બનાવો બનતા રહેતા હોય છે, આ સ્વાભાવિક ઘટના છે. તેમણે આગળ કહ્યુ કે, લાખો પશુઘનમાંથી કઈ ગાય ક્યાં જતી રહે એ નક્કી ના કહી શકાય. શહેર, ગામ કે રસ્તા પર શું બને એ નક્કી ના હોય. પશુધનને નિયંત્રણમાં રાખવું એ વ્યવહારિક રીતે શક્ય નથી.

જણાવી દઇએ કે, સરકાર દ્વારા રખડતા ઢોર મામલે મહત્વનું બિલ લાવવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યના પશુપાલકોએ આંદોલન છેડતા સરકારે આ બીલને સ્થગિત કરી દીધુ હતું.જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી રાજયમાં રખડતા ઢોરનો આતંક વધતો જઇ રહ્યો છે. આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છત્તાં તેનું નિરાકરણ આવ્યુ નથી. રખડતા ઢોરના આતંકને કારણે ઘણા અકસ્માતોના બનાવો પણ વધે છે,

ઘણા લોકો ઇજાગ્રસ્ત થાય છે, તો ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આઝાદી કા મહોત્સ્વની વાત કરીએ તો, દેશભરમાં હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગા રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. લગભગ બધા જ લોકો હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે.

Shah Jina