ખજૂરભાઈ સાથે 72 વર્ષની ઉંમરમાં પણ ખડેપગે ઉભા રહીને સવારે 7 થી લઈને રાત્રે 1 વાગ્યા સુધી સેવાકીય કાર્યો કરી રહેલા ભિખાદાદાનું થયું ભવ્ય સન્માન, જુઓ વીડિયો

ગુજરાતીઓના દિલમાં એક આગવું સ્થાન મેળવી ચૂકેલા નીતિન જાનીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમને પોતાના સેવાકીય કાર્યોથી લાખો ગુજરાતીઓના દિલ જીતી લીધા છે અને તેમને હવે લોકો ગુજરાતના સોનુ સુદ તરીકે પણ ઓળખે છે, નીતિન જાની સોશિયલ મીડિયામાં પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. (એક્સક્લુઝિવ સ્ટોરી: ધવલરાજસિંહ ચૌહાણ)

યુટ્યુબ ઉપર પોતાના કોમેડી વીડિયોથી શરૂઆત કરનારા ખજુરભાઈ તેમના સેવાકીય કાર્યોના કારણે એક મોટું નામ ધરાવે છે. થોડા સમય પહેલા જ તેમને ગુજરાતમાં 200 ઘર બનાવવાની ખુશી ખુબ જ અનોખી રીતે ઉજવી હતી. આ ઉજવણી કરવા માટે તેઓ દુબઇ પહોંચ્યા હતા અને દુબઈમાં તેમની સાથે તેમની ટીમ અને આ કામમાં સહભાગી થનારા લોકો પણ જોડાયા હતા.

નીતિન જાનીએ દુબઇથી પણ પોતાના ઘણા બધા વીડિયો શેર કર્યા હતા, તેમાં એક દાદા પણ જોવા મળ્યા હતા. જેમનું નામ ભિખાદાદા હતું. ધોતી અને ઝભ્ભો પહેરીને દુબઇ પહોંચનારા ભિખાદાદાનું ગેટઅપ જ દુબઈમાં ચેન્જ થઇ ગયું. તે દુબઈમાં સૂટ બુટ પહેરેલા જોવા મળ્યા હતા અને તેમની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા.

ભિખાદાદા ત્યારથી ખુબ જ લોકપ્રિય બની ગયા હતા. ત્યારે હાલમાં જ તેમનું વાટલીયા પ્રજાપતિ ઘોડાદરા સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું, આ કાર્યક્રમ સુરત ખાતેના સિંગણપુર ચાર રસ્તા પાસે આવેલ મલ્ટિપરપર્સ હોલ ખાતે યોજાયો હતો. જ્યાં ભિખાદાદાએ ગુજ્જુરોક્સ સાથે ખાસ વાતચીત કરી અને તેમાં નીતિન જાની વિશે પણ જણાવ્યું હતું.

ગુજ્જુરોક્સ દ્વારા ભિખાદાદાને પૂછવામાં આવ્યું કે “ખજુરભાઈ જોડે જોડાયા બાદ સમાજ દ્વારા તમારું સન્માન… શું કહેશો ?” ત્યારે તેના જવાબમાં ભિખાદાદાએ કહ્યું, “આ જે મારુ સન્માન થઇ રહ્યું છે તે નીતિન જાનીને આભારી છે.” આગળના સવાલમાં તેમને પૂછવામાં આવ્યું કે “તમે નીતિન જાની સાથે કઈ રીતે જોડાયા ?”

આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું, “નીતિનભાઈ મકાન બાંધતા બાંધતા મારી બાજુના ગામમાં આવ્યા હતા. ત્યારે રસ્તા ઉપર ઉભા ઉભા મને એવો વિચાર આવ્યો કે મારે ખજુરભાઈને મળવું છે અને ત્યારે જ નીતિન જાની ગાડી લઈને ત્યાંથી નીકળ્યા. ત્યારે તેમને ઉભા રહીને મને કહ્યું કે ચોક્કસ કાલે તમારા ઘરે આવીશું અને તેમના વાયદા પ્રમાણે તેઓ મારા ઘરે આવ્યા. એનો મને અદભુત આનંદ થયો.”

અમે ભિખાદાદાને પૂછ્યું કે “નીતિન જાની સાથે સેવાકીય કાર્યોમાં જોડાઈને તમને કેવું લાગે છે ?” ત્યારે તેમણે જણાવ્યું કે, “નીતિન ભાઈ સાથે જોડાઈને તલાલાથી લઈને છેક તળાજા સુધી જે સેવાકીય કાર્યો કર્યા અને લોકોના જે આશીર્વાદ મળ્યા તેનો ખુબ જ આનંદ છે અને આ આનંદ નીતિનભાઈ જાનીને આભારી છે.

આગળના સવાલમાં અમે ભિખાદાદાને પૂછ્યું કે “તમે કેટલીવાર ખજુરભાઈ સાથે પ્રવાસ કર્યો છે !” ત્યારે ભિખાદાદાએ જણાવ્યું કે તેમને સૌપ્રથમ, અમરેલીમાં સૌરાષ્ટ્રનું હવાઈ નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ તેમની સાથે 2 વાર દુબઇ પ્રવાસ કર્યો અને આગામી 11 તારીખે પણ એક પ્રવાસનું આયોજન તેમને કર્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “મારા જેવા નાના ગામડાના માણસને છેક વિદેશ સુધી સફર કરાવવાનું કામ નીતિન ભાઈએ કર્યું છે અને તેના માટે તેમનો હું આભારી છું.”

આ ઉપરાંત અમે તેમને પૂછ્યું કે “તમારી ઉંમર 72 વર્ષની છે તો તમને થાક નથી લાગતો ?” ત્યારે આ સવાલનો પણ સુંદર રીતે જવાબ આપતા ભિખાદાદાએ કહ્યું કે, “મારી ઉંમર 72 વર્ષની છે પરંતુ તેની સામે સેવાકીય કાર્યનો થાક શું છે તેની અમને ખબર જ નથી પડતી અને સેવામાં એવી તાકાત રહેલી છે કે સવારના 7 વાગ્યાથી લઈને સતત રાતના 1 વાગ્યા સુધી ફરીએ પરંતુ થાક લાગતો જ નથી. ત્યારે અમને થાય કે ઈશ્વરીય શક્તિ અને કુદરત અમારી મદદ કરી રહી છે.”

અમારા છેલ્લા સવાલમાં અમે ભિખાદાદાને પૂછ્યું કે “તમારું સમાજ દ્વારા સન્માન થઇ રહ્યું છે તો તેના વિશે તમે શું કહેવા માંગશો ?” ત્યારે દાદાએ પણ વિનમ્ર થઈને કહ્યું કે “આ મારુ જે સન્માન થઇ રહ્યું છે તે નીતિન જાનીને આભારી છે. આ ઉપરાંત તેમણે સ્ટેજ ઉપરથી પણ તેમના સમાજનું સંબોધન કર્યું હતું સાથે જ સમાજ માટે કેટલીક પ્રેરણાદાયક વાતો પણ ભિખાદાદાએ મંચ ઉપરથી જણાવી હતી.

Niraj Patel