ખજૂરભાઈના પ્રેરણા દાયક કામોની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી, માહિતી અને પ્રસારણ મંત્રાલયે શેર કરી તેમની કહાની.. જુઓ વીડિયો
નીતિન જાની ઉર્ફે આખા ગુજરાતના લોક લાડીલા ખજુરભાઈએ પોતાના સેવાકીય કાર્યો દ્વારા અનોખી મહેક પ્રસરાવી છે. તેમના સેવાકીય કામોએ દરેકના દિલમાં એક આગવી જગ્યા બનાવી છે અને આજે આખું ગુજરાત તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે. નીતિન જાની એક કોમેડિયન, કલાકાર સાથે જનતાના સાચા સાથી તરીકે પણ ઉભરી આવ્યા છે.
ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા બેઘર લોકોને નવા ઘર બનાવીને આશરો આપ્યો છે, તો ઘણા લોકોને રોજગાર પણ પૂરો પાડ્યો છે. ત્યારે હાલમાં જ નીતિન જાનીના આ સેવાકીય કાર્યોની નોંધ માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા પણ લેવામાં આવી અને નીતિન જાનીની પ્રેરણાદાયક કહાની ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવી.
માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા હાલમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે “કોરોના મહામારીએ જયારે દેશ પર પ્રહાર કર્યો ત્યારે ઘણા જીવનો ગંભીર રૂપથી બાધિત થઇ ગયા. જો કે આવા મુશ્કેલ સમયમાં ઘણા પરોપકારી લોકો આગળ આવ્યા અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતાનો હાથ આગળ વધાર્યો.”
વીડિયોમાં આગળ જણાવામાં આવ્યું છે કે, “ગુજરાતના યુટ્યુબર અને અભિનેતા નીતિન જાની એક એવા જ નાયક છે જેમણે ઘણા લોકોના જીવનમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો. તેમને પોતાના જીવનની બધી જ કમાણી કોરોના મહામારી દરમિયાન ભૂખ્યા લોકોને ભોજન આપવામાં અને ચક્રવાત દરમિયાન પોતાનું ઘર ખોઈ ચૂકેલા લોકોના ઘર બનાવવામાં લગાવી દીધી.”
“આશ્રય વગર લોકોને પીડિત જોઈને નીતિને જરૂરિયાતમંદ લોકોને સહાયતા અને શક્તિ પ્રદાન કરવાનો સંકલ્પ લીધો. તેમને જાની દાદા ફાઉન્ડેશન નામથી એક ગેર સરકારી સંગઠનની પણ સ્થાપના કરી. જે ગરીબ અને અસહાય લોકોની મદદ માટે સમર્પિત છે. આજે નીતિન અને તેમના સાથી ના ફક્ત બેઘર લોકોને ઘર બનાવી આપે છે, પરંતુ તેમને રાશન, ફર્નિચર જેવી ઘણી મૂળભૂત સુવિધાઓ પણ પ્રદાન કરે છે.”
“રાષ્ટ્ર આવા નાયકોને સલામ કરે છે જે માનવતા અને જન કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે.” ત્યારે માહિતી પ્રસારણ મંત્રલાય દ્વારા નીતિન જાનીની આ કહાની આખા દેશમાં તેમના નામનો ડંકો વગાડી રહી છે અને ઘણા લોકો માટે તેમની આ કહાની પ્રેરણાદાયક પણ બની રહી છે. લોકો નીતિનભાઈના વખાણ કરતા થાકતા નથી.