નાઇટ ક્લબમાં લાગી આગ, 29 લોકોના મોત- અનેક ઘાયલ, રિનોવેશન દરમિયાન થયો અકસ્માત

ગુજરાત સમેત દેશ-વિદેશમાંથી ઘણીવાર આગની ઘટના સામે આવે છે, જેમાં ઘણા લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાની ખબર સામે આવી, જેમાં 29 લોકોએ જીવ ગુમાવ્યો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ બાદ ક્લબના સંચાલકો સહિત અનેક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

આ ક્લબ પોશ વિસ્તારમાં આવેલ રહેણાંક ઇમારતના ભોંયરામાં આવેલ છે. સીએનએનના અહેવાલ મુજબ, આ ઘટના તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં બની હતી. મંગળવારે એક નાઈટ ક્લબમાં આગ લાગી અને આમાં અત્યાર સુધી 29 લોકોના મોત થયા હોવાની ખબર છે. અનેક લોકો ગંભીર ઘાયલ પણ છે.

અકસ્માત સમયે આ નાઇટ ક્લબ બંધ હતુ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. મૃતકોમાં મોટાભાગના મજૂરો છે. 8 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈસ્તાંબુલના એક પોશ રહેણાંક વિસ્તારમાં 16 માળની ઈમારત છે, જેના ભોંયરામાં આ નાઇટ ક્લબ છે.

તુર્કીના અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં નાઈટ ક્લબ મેનેજર, એકાઉન્ટન્ટ, ભાગીદાર અને વેલ્ડીંગ અને મેટલ ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. ઘટનાને લઇને જસ્ટિસ મિનિસ્ટર યિલમાજ તુન્કે ટ્વિટર પર જીવ આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Shah Jina