કોહલીની મુશ્કેલી વધશે, આ દિગ્ગજ બની શકે છે કોચ
યુએઈમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને નવો કોચ મળવાનુ નક્કી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પુષ્ટિ કરી છે કે હવે તેઓ ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે નહીં. રવિ શાસ્ત્રીએ આ વાત ખુશી વ્યક્ત કરી છે કે તેઓ કોચ તરીકે જે પ્રાપ્ત કરવા માંગતા હતા તે પ્રાપ્ત કરવામાં સફળ થયા છે.
સૌરવ ગાંગુલીના નેતૃત્વવાળી બીસીસીઆઈએ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા પર મુખ્ય કોચ પદ માટે અરજી કરવા માટે કહી શકે છે. નોંધનિય છે કે, કુંબલે 2016-17 વચ્ચે એક વર્ષ સુધી ભારતીય ટીમના કોચ રહ્યા હતા. તે સમયે, સચિન તેંડુલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ શાસ્ત્રીની જગ્યાએ તેમની નિમણૂક કરી હતી.
જોકે, કુંબલેએ કેપ્ટન વિરાટ કોહલી સાથેના મતભેદોને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર બાદ રાજીનામું આપ્યું હતું. બીસીસીઆઈના એક વરિષ્ઠ સૂત્રે નામ ન આપવાની શરતે કહ્યું કે, અનિલ કુંબલેના બહાર નીકળવાના મામલાને સુધારવાની જરૂર છે. કોહલીના દબાણ હેઠળ CoA એ તેને જે રીતે પદ પરથી દૂર કર્યો તે યોગ્ય ઉદાહરણ નહોતું. જોકે, તે તેના પર પણ નિર્ભર છે કે કુંબલે અને લક્ષ્મણ કોચ માટે અરજી કરવા માટે સંમત થશે કે નહીં.
તમને જણાવી દઈએ કે ટી 20 વર્લ્ડ કપ બાદ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, ટી 20 વર્લ્ડકપ પછી ભારતીય ક્રિકેટમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે. એક તરફ જ્યાં ભારતને ટી-20માં નવો કેપ્ટન મળશે ત્યાં કોચ માટે પણ ભારતની ટીમમાં નવા સભ્યની એન્ટ્રી થશે.
જો કુંબલેનું નામ કોચ તરીકે સામે આવ્યું છે, તો તેમાં કંઈકને કઈક સત્યતા તો હોવી જોઈએ. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ફેન્સ રાહુલ દ્રવિડને હેડ કોચ બનાવવાની માંગ સતત કરી રહ્યા છે. ગાંગુલીએ આ વિશે એમ કહ્યું કે, હજુ સુધી રાહુલ સાથે આ વિશે વાત થઈ નથી. પરંતુ ભવિષ્યમાં તેમનો અભિપ્રાય પણ BCCI લેશે.
તમને જણાવી દઈએ કે ટી 20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ 15 નવેમ્બરે રમાશે. વિરાટ કોહલી માટે, આ ટુર્નામેન્ટ ટી 20 કેપ્ટન તરીકેની છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટ હશે.