ખબર

“હત્યારા ફેનિલ ગોયાણીએ કોઈ પ્રોફેશનલ કિલરને પણ શરમાવે તે પ્રકારે માસૂમની હત્યા કરી,” સરકારી વકીલ નયને નામદાર કોર્ટમાં કરી હતી દલીલ

સુરતના પાસોદરાની ગ્રીષ્માની હત્યાને હવે થોડા દિવસમાં જ 2 મહિનાનો સમય પૂરો થશે, ગત ફેબ્રુઆરી માસની 12મી તારીખે ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્માનું ગળું કાપીને સરાજાહેર હત્યા કરી નાખી હતી, જે હત્યાનો વીડિયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આરોપી ફેનિલની ધરપકડ બાદ અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ આખા ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગણી પણ ચાલી રહી હતી, જેના કારણે આ કેસમાં પોલીસ તપાસ પણ ખુબ જ ઝડપી બની અને માત્ર 6 દિવસમાં જ તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી.

આ કેસ પહેલા કઠોર કોર્ટમાં ચાલતો હતો જેના બાદ આ કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, જ્યાં ન્યાયાધીશ શ્રી વિમલ કે વ્યાસ સાહેબની કોર્ટમાં આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલુ થયું. ગ્રીષ્મા તરફથી આ કેસ જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા, તો આરોપી તરફથી આ કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા.

ત્યારે ગ્રીષ્માનો કેસ લડી રહેલા સરકારી વકીલ નયન સુખડવાલાએ પણ કોર્ટની અંદર  કાર્યવાહીને લઈને મીડિયા સામે પ્રકાશ પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન ગ્રીષ્માનો કેસ સૌથી ઝડપી તપાસ થયેલો અને કોર્ટમાં પણ સૌથી ઝડપી કાર્યવાહી ચાલેલા કેસમાંથી એક કેસ છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે કોર્ટની અંદર તમામ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા આ ઉપરાંત આરોપીની જે કોન્ડકટ  છે તે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને નામદાર કોર્ટમાં  કહેવામાં આવ્યું કે કોઈ પ્રોફેશનલ કિલરને પણ શરમાવે એ પ્રકારનું પૂર્વ તૈયારી સાથેનું આ કૃત્ય છે. એ તમામ પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જિલ્લા સરકારી વકીલે એમ પણ જણાવ્યું કે કોર્ટની અંદર બંને પક્ષની દલીલો સાંભળી, પુરાવા રજૂ કર્યા બાદ હવે  કસૂરવાર છે કે કેમ તે કોર્ટ નક્કી કરશે અને 16 તારીખના રોજ પોતાનો ચુકાદો આપશે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે આ કેસ કોર્ટમાં 28 તારીખથી ચાલુ થયો અને આજ દિન સુધી રોજિંદા ધોરણે ચાલુ રહ્યો છે, સરકારી રજાઓ સિવાય એક પણ રજા લેવામાં નથી આવી ના બંને પક્ષ તરફથી તારીખની માંગણી કરવામાં આવી છે.

નયન સુખડવાલાએ  બચાવ પક્ષની કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે બચાવ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે આ ઘટનામાં આરોપીની કોઈ સંડોવણી નથી અને જો સંડોવણી છે તો આ કામ તેને સ્વ-બચાવ અને ઉશ્કેરાટના કારણે કર્યું છે અને આ પ્રેમ પ્રકરણ હતું. ત્યારે બચાવ પક્ષની આ દલીલોનું પણ અમારા દ્વારા ખંડન કરવામાં આવ્યું.