આજે મહિલાઓને પુરુષ સમોવડીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. આમ છતાં મહિલાઓ પર ગુજારવામાં આવતો ત્રાસ ઓછો નથી થતો. નવસારીમાં એક કોરોના વોરિયરએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.

નવસારીની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી વિજલપોરની 28 વર્ષીય યુવતી મેઘા રાજેન્દ્રભાઇ આચાર્યએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અચાનક જ આપઘાત કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મેઘાના પરિવારજનોએ પોતાની લાડકવાયીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડયુટી દરમીયાન ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.

વિજલપોર પોલીસે પાંચ પેજની સુસાઇડ નોટ કબ્જે કરી છે. આ સાથે જ મેઘાના પરિવારજનોએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આપઘાત કરવા મજબુર કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવા આવે. હતભાગીના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું સાચું કારણ સામે આવી શકે છે.

પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ડયુટી દરમિયાન તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે દીકરી આ પગલું ભરવા મજબુર થઇ છે. સુસાઇડ નોટમાં મેટર્ન તારા અને સિવિલ સર્જન દુબેના નામ હોવાનો પરિવાર દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના એક ડોકટરે જણાવ્યું હતું કે, મેઘા બહુ સારી રીતે કામ કરતી હતી. તેના પર કામનું કોઈ દબાણ હતું નહીં. દર્દીઓની સંખ્યા ઘટવાના કારણે કોવિડથી નોન કોવિડની પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો બીજી તરફ પરિવારજનોએ જે આક્ષેપો કર્યા છે તેની પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ મેઘાના કોઈ ડોક્ટર સાથે અંગત સંબંધો હોવાનો પણ ડોક્ટર શાહે ઈન્કાર કર્યો હતો.