યુક્રેનમાં મોતને ભેટેલા નવીનની સાથે બંકરમાં રહેતા તેના મિત્રએ કહ્યું, “એ અમારી માટે જમવાનું લેવા ગયો હતો, પરંતુ….”

રશિયા અને યુક્રેન વચ્ચે આજે સાતમા દિવસે પણ ભીષણ યુદ્ધ ચાલુ છે, ત્યારે ગઈકાલે ભારત માટે એક ખુબ જ ખરાબ સમાચાર આવ્યા, યુક્રેનમાં રહેતા એક ભારતીય વિધાર્થીનું રશિયન હુમલામાં મોત નીપજ્યું હતું, જેના બાદ આખા દેશમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો અને યુક્રેનમાં રહેતા ભારતીય વિધાર્થીઓના માતા પિતા પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.

યુક્રેનના ખાર્કિવમાં રશિયન ગોળીબારમાં માર્યા ગયેલા કર્ણાટકના યુવાન નવીન શેખરપ્પા બંકરમાંથી ખાવાનું  લેવા માટે બહાર નીકળ્યો હતો. નવીન સાથે બંકરમાં રહેતા હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સુંદરનગરના ધનોતુના રહેવાસી અંકુર ચંદેલ અને લોઅર બેહલીની વિદ્યાર્થિની રિશિતાએ આ માહિતી તેમના પરિવારને આપી હતી.

અંકુરે જણાવ્યું કે “તે બંકરમાં 15 કલાકથી ભૂખ્યો અને તરસ્યો હતો. જ્યારે ભૂખ સહન ન થઈ શકી, ત્યારે કર્ણાટકનો રહેવાસી નવીન સવારે 10 વાગ્યે ભોજન લેવા બંકરમાંથી બહાર નીકળ્યો અને રશિયન ગોળીબારનો ભોગ બન્યો.” અંકુરે જણાવ્યું કે તે અને રિશિતા નવીન સાથે બંકરમાં રહેતા હતા.

નવીનના મોતથી બંકરમાં રહેતા તેના 250 સાથીઓને આઘાત લાગ્યો છે. તેમનું લોકેશન ટ્રેસ ના થાય તેથી યુનિવર્સિટીએ તેમને તેમના મોબાઈલ સ્વિચ ઓફ કરવા જણાવ્યું છે. આ તમામ માહિતી તેના પિતાને આપતા અંકુરે જણાવ્યું કે બંકરમાં સૂવા માટે ધાબળા નથી, ખાવાની વસ્તુઓ નથી અને ટોયલેટમાં પાણી નથી.

અંકુરે જણાવ્યું કે તે ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. છેલ્લા બે દિવસમાં ખાર્કિવ પર રશિયાના હુમલા સતત વધી રહ્યા છે, જેના કારણે હવે ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓ બંકરમાં પણ સુરક્ષિત નથી અનુભવતા, પરંતુ ભારત સરકાર તેમને ત્યાંથી બહાર કાઢવા માટે કોઈ પગલાં લઈ રહી નથી.

તેઓ જ્યાં છે ત્યાં જ રહેવા માટે તેમને માત્ર એડવાઈઝરી મોકલવામાં આવી રહી છે, પરંતુ બંકરમાં તેઓ ભૂખ અને તરસથી મરી જશે. હવે સ્થિતિ અત્યંત વિકટ બની છે. અંકુરે જણાવ્યું કે ખાર્કિવમાં લગભગ 5000 ભારતીય વિદ્યાર્થીઓ છે. તેણે અને તેના સાથી વિદ્યાર્થીઓએ ભારત સરકારને અપીલ કરી છે કે તેઓને જલ્દીથી અહીંથી હટાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર સહકાર ન આપતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે.

અંકુર ચંદેલના પિતા નરેશ ચંદેલે કહ્યું કે તેઓ પણ ખાર્કિવમાં એક વિદ્યાર્થીના મૃત્યુને કારણે પુત્રની સુરક્ષાને લઈને ચિંતિત છે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ સહકાર આપી રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીના નંબર પર ઘણી વખત વોટ્સએપ મેસેજ અને કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ ન તો તેમનો મેસેજ વાંચવામાં આવ્યો કે ન તો ફોન સાંભળવામાં આવ્યો.

Niraj Patel