ભુજમાં હોસ્પિટલ જતા ગોસ્વામી પરિવારને નડ્યો અકસ્માત, એક બાળક સહિત 4ના મોત, ગાડીનું બની ગયું પડીકું

કાળજું કાઠું હોય તો જ જોજો તસવીરો, ભુજમાં એક બાળક સહીત 4 ના દર્દનાક મૃત્યુ…

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણા તો એવા ગંભીર હોય છે કે તસવીરો જોતા જ હચમચી જવાય છે. હાલમાં કચ્છમાંથી અકસ્માતની ખબર સામે આવી રહી છે. જેમાં એક કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતને કારણે 4 લોકો મોતને ભેટ્યા અને આમાં એક નાના અમથા બાળકનો પણ સમાવેશ થાય છે. આ ગમખ્વાર અકસ્માત નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે સર્જાયો હતો. જે પરિવાર અકસ્માતનો ભોગ બન્યો તેઓ દવાખાને જઇ રહ્યા હતા

અને ત્યારે જ આ ઘટના બની.આ ઘટનામાં 4ના મોત થયા છે, જ્યારે હજુ બે લોકોની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને અગ્રણીઓ દોડી આવ્યા હતા. મૂતકોમાં 53 વર્ષિય કસ્તુરબેન, 25 વર્ષિય સંગીતાબેન, 50 વર્ષિય પરેશભારથી અને 3 વર્ષિય મનભારથીનો સમાવેશ થાય છે.આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો.

નખત્રાણા પોલીસ દ્વારા આ અકસ્માતની ઘટનામાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે. જેને લઇને તેઓ ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં સારવાર માટે માંડવી જતા હતા અને આ દરમિયાન કાર માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ અથડાઇ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ અકસ્માતમાં જેમાં સાસુ, વહુ, પૌત્ર અને દિયરનું ગંભીર ઈજાઓને કારણે મોત થયુ હતુ અને જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા પહોંચતાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ગ્રે કલરની કારનો તો આ અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયો હતો અને ક્ષણીકવારમાં તો મોતનું તાંડવ ખેલાઈ ગયું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ ઉપરાંત વધુ એક અકસ્માતની ખબર પાટણના શંખેશ્વરના પંચાસર ગામ નજીકથી સામે આવી અને આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લીધા અને આ બનાવમાં રિક્ષામાં સવાર બે લોકો અને એક પદયાત્રીનું મોત થયું હતુ.

Shah Jina