નડિયાદ-ખેડા રોડ ઉપર થયેલા અકસ્માતમાં થયો મોટો ખુલાસો, ચાર યુવાનોનો અકસ્માત નહીં પરંતુ હત્યા કરવામાં આવી, CCTVમાં રહસ્ય આવ્યું સામે

નડિયાદ-અમદાવાદ હાઈવે પર થયેલા અકસ્માતમાં 4 લોકોમાં મૃત્યુ…. CCTV ફુટેજ સામે આવતા જ ખબર પડી કે આ તો મર્ડર છે

દેશભરમાં ઠેર ઠેર અક્સ્માતના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, ઘણા લોકો અકસ્માતમાં મોતને પણ ભેટતા હોય છે, ત્યારે થળોએ દિવસ પહેલા એટલે કે 13 માર્ચના રોજ પણ એક એવા ગમખ્વાર અકસ્માત નડિયાદ ખેડા હાઇવે ઉપર સર્જાયો હતો, જેમાં 4 લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ હવે આ મામલામાં તપાસ કરી રહેલી પોલીસ સામે મોટો ખુલાસો થયો છે.

બનાવની વિગત તપાસીએ તો માતરના સોખડા ગામની સીમમાં ગત તા.13 માર્ચની રાતે વેસ્ટન હોટલની સામે રોડની બાજુમાં પાર્ક કરેલ કન્ટેનર ટ્રક પાછળ ધડાકાભેર મોટર સાયકલ અથડાતા ચાર યુવકોના કરૂણ મૃત્યુ થયા હતા. તેમની ઓળખ 23 વર્ષીય જીતેશ નોગિયા, 19 વર્ષીય હરીશ રાણા, 22 વર્ષીય નરેશ વણઝારા અને 16 વર્ષીય સુન્દરમ યાદવ તરીકે કરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલો ઓવર સ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. મૃતકોને માતરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા, મૃતક પાસેથી તપવાર અને પંચ જેવી વસ્તુઓ પણ મળી આવી હતી.

ચારેય મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું હતું, ત્યારે તપાસ કરી રહેલી પોલીસને ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું કે આ લોકોની બાઇકને એક કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી, જેના બાદ તેઓ પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘુસી ગયા હતા અને જેના કારણે ચારેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

માતર પોલીસે કરેલી તપાસમાં યુવકોને કોઇ અજાણ્યા ઇસમો સાથે ઝઘડો થતા તેઓ પાછળ પડતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે કોર્ટમાં રજૂઆત કરતા સરકારી વકીલની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી આ કેસમાં વધુ બે કલમનો ઉમેરો કરવા હુકમ કર્યો હતો. ત્યારે હવે આ મામલે તપાસ કરી રહેલી માતર પોલીસે કાર સાથે ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી છે.

Niraj Patel