રાજકોટની આસપાસ જોવા મળેલા આકાશી દૃશ્યની હકીકત શું છે ? શું ખરેખર આ એલિયનનું UFO હતું ? જાણો સાચી હકીકત

દુનિયામાં એલિયન હોવાની ઘણી વાતો વખતો વખત સામે આવતી રહે છે, તો ઘણા લોકો દ્વારા યુએફઓ જોયો હોવાની પણ વાતો કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી એલિયન ધરતી ઉપર આવ્યા હોવાનું કોઈ પાક્કું પ્રમાણ મળ્યું નથી, પરંતુ હાલ ગુજરાતની અંદર એવા દૃશ્યો સર્જાયા જે જોઈને લોકોમાં કુતુહલ જન્મ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની અંદર ઉપલેટા, ભયાવદાર સહિત જૂનાગઢ અને તેના આસપાસના વિસ્તારોમાં રાત્રે એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. જેમાં ઉપલેટા તેમજ ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં એક ભેદી ધડાકો સંભળાયો હતો અને બાદમાં આકાશમાં ચમકતી રહસ્યમય લાઇટો જોવા મળી હતી. આ નજારો જોવા માટે લોકોના ટોળા ઘરની બહાર આવી ગયા હતા.

આકાશની અંદર એક સાથે 10-12 જેટલી ઉલ્કા જેવી વસ્તુ જોવા મળતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. ઘણા લોકોએ આ દૃશ્યોને પોતાનાં મોબાઇલ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા. જેની તસ્વીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યા છે અને ધરતી ઉપર એલિયન આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પરંતુ આ બાબતે હવે સાચી હકીકત પ્રકાશમાં આવી રહી છે.આ બાબતે મામલતદાર જી.એમ. મહાવદિયાએ જણાવ્યું હતું કે “અમારે જામનગરની જેમ જ સમાણા ગામે એરબેઝ આવેલું છે અને સમયાંતરે અહીં આવી કવાયત ચાલતી રહેતી હોય છે. એના ભાગરૂપે સોમવારે રાત્રે આવી ઘટના બની હતી અને ફાઇટર જેટ પસાર થતી વખતે જોરદાર અવાજ આવ્યો હતો અને બાદમાં આ જેટની રોશનીના ચમકારા થતાં લોકોમાં ભય મિશ્રિત કુતૂહલની લાગણી પેદા થઇ હતી અને ભયના માર્યા લોકો બહાર દોડી આવ્યા હતા, પરંતુ સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોમાં કોઇ તથ્ય નથી. એરફોર્સની આ રૂટિન કવાયત માત્ર છે.”

Niraj Patel