60 માળની બિલ્ડિંગમાં અચાનક ભભૂકી ઉઠી આગ, જીવ બચાવવા માટે એક યુવકે લગાવી મોતની છલાંગ, જુઓ વીડિયો

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં લાલબાગ વિસ્તારમાં 60 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ એટલી ગંભીર છે કે તે 17મા માળેથી 25મા માળે ફેલાઈ ગઈ છે. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાય છે. બિલ્ડિંગમાંથી જ્વાળાઓ બહાર આવી રહી છે. કરી રોડ વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગમાં કામ ચાલી રહ્યું છે.

સારી વાત તો એ છે કે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે છે અને ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા કામે લાગી છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઇમારતની નજીક અન્ય રહેણાંક ઇમારતો છે. આવી સ્થિતિમાં ચિંતા છે કે જો આગ વહેલી તકે બુઝાવવામાં નહીં આવે તો મોટું નુકસાન થઈ શકે છે. આ બિલ્ડિંગમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ રહે છે.

અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગમાં આ દુર્ઘટના થઇ છે. ફાયર વિભાગ અનુસાર એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી એક વ્યક્તિ ઘાયલ થયો છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

બિલ્ડિંગમાં લાગેલી આગનો એક વિડીયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે એક માણસ આગથી બચવા માટે બાલ્કનીમાંથી લટકે છે, પરંતુ તે નીચે પડી જાય છે. બાદમાં ખબર પડી કે તેનું મોત થઇ ગયુ છે.તેની ઉંમર 30 વર્ષની કહેવામાં આવી રહી છે.

સાવચેતીના પગલાંરૂપે કરી રોડ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બંને બાજુ બેરીકેડીંગ મુકવામાં આવ્યું છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ આગ ખૂબ જ ગંભીર છે, લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગની ટેરેસ પર ગયા છે.

Shah Jina