ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર લોકો પોતાની બીમારીથી કંટાળી અથવા તો કોઇ અન્ય કારણોસર પણ આપઘાત કરી લે છે. ત્યારે હાલમાં ગોંડલના ગાયત્રી નગરમાંથી માતા અને પુત્રના આપઘાતનો મામલો સામે આવ્યો છે. બંનએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક જ દિવસમાં પરિવારના બે સભ્યોને ગુમાવવાના કારણે પીઠવા પરિવારમાં પણ શોકનો માહોલ છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ ખુણીયા ગાયત્રી નગરમાં રહેતા વિનોદચંદ્ર પીઠવાના પત્ની ભારતીબેન અને તેમના પુત્ર મિરાજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા પણ ત્યાં સારવાર દરમિયાન પહેલા પુત્રએ અને પછી માતાએ દમ તોડી દીધો. આ ઘટનાથી પરિવાર પણ હતપ્રત બનવા પામ્યો હતો.
મૃતક ભારતીબેનના પતિના જણાવ્યા અનુસાર, તેઓ રોજની જેમ સવારે ગરમ પાણીમાં આમળાના જ્યુસનું સેવન કરતા હતા અને એટલે જ વહેલી સવારે ઉઠી તેઓ જ્યુસ પીને ઘરની અગાસી પર લટાર મારવા ગયા ત્યારે તેમણે થોડીવાર પછી નીચે ઉતરીને જોયુ તો પત્ની જમીન પર પસડાયેલી હાલતમાં હતી અને મોઢામાંથી ફીણ નિકળતુ હતુ.
તે બાદ તેમણે પુત્ર મિરાજને અવાજ કર્યો તે દોડી આવ્યો અને તે પણ લથડીયા ખાતો હતો. તે બેશુધ્ધ થઈ જતા વિનોદચંદ્ર ગભરાઇ ગયા. જો કે, તેમણે દેકારો કરતા પાડોશીઓ એકઠા થઈ ગયો અને બંનેને હોસ્પિટલ ખસેડાયા. જ્યાં સવારે મિરાજે દમ તોડ્યો અને સાંજે માતા ભારતીબેને પણ આંખો મીચી લીધી. વિનોદચંદ્ર પરિવાર સાથે આફ્રીકા રહેતા હતા અને ત્યાં ચાઇનીઝ વસ્તુઓનું માર્કેટિંગ કરતા.
તેઓ છેલ્લા પાંચેક વર્ષથી જ વતન ગોંડલ પરત ફર્યા હતા. મિરાજે 12માં ધોરણ સુધીનો અભ્યાસ આફ્રિકા કર્યો હતો અને અહીં પરત ફર્યા બાદ તેણે પુના કોલેજમા થોડો સમય અભ્યાસ કર્યો હતો. જો કે, તેને કેન્સરની બીમારીનું નિદાન થતા તેની સારવાર ચાલી રહી હતી, પણ બિમારીને કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો અને મિરાજ માટે તેની માતા પિતા ચિંતિત હતા.