મોરબીમાં પગારકાંડની મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલને મળી કોર્ટમાંથી રાહત, જામીન થયા મંજૂર

મોરબીની રાણીબાને રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન- પગાર લેવા પહોંચેલા યુવકને માર્યો હતો માર

મોરબીની રાણીબા ગત થોડા દિવસો પહેલા ઘણી ચર્ચામાં હતી અને તેનું કારણ હતુ એક યુવકને પગાર મુદ્દે માર મારવો. ત્યારે આ મામલે મોરબીની લેડી ડોન રાણીબા ઉર્ફે વિભૂતી પટેલ છેલ્લા એક દોઢ મહિનાથી જેલમાં બંધ હતી, પરંતુ તેણે જેલમાંથી મુક્ત થવા મોરબી કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે મંજૂર કરી છે. મોરબી પગાર પ્રકરણ મુદ્રે 6 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

વિભૂતિ પટેલને મળી કોર્ટમાંથી રાહત

રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક અને યુવા ઉદ્યોગસાહસિક વિભૂતિ પટેલ પર દલિત યુવકને માર મારવાનો આરોપ હતો. 2 ઓક્ટોબર 2023ના રોજ મોરબીમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં 21 વર્ષનો યુવક સેલ્સમેન તરીકે 12 હજારના પગારે નોકરી લાગ્યો હતો. પણ 18 ઓક્ટોબરના રોજ રાણીબાએ તેને નોકરીએ ન આવવા કહ્યુ અને એટલે યુવકે નોકરી બંધ કરી.

પગાર માગવા ગયેલ યુવક સાથે કરી હતી મારપીટ

જો કે, કંપનીમાં કર્મચારીઓનો પગાર 5 તારીખે થતો હોવાથી યુવકના ખાતામાં પૈસા ન આવતા તેણે વિભૂતિ પટેલને ફોન કરીને 16 દિવસના પગારની વાત કરી. જો કે, રાણીબાએ આ વાત ટાળી દીધી અને બાદમાં જ્યારે યુવક ઓફિસે પૈસા લેવા પહોચ્યો ત્યારે ઓફિસમાં હાજર લોકોએ તેને પટ્ટા અને લાકડી વડે માર માર્યો. આ ઉપરાંત તેનો માફી માંગતો વીડિયો પણ બનાવ્યો અને ચપ્પલ પણ ચટાવ્યું.

6 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાઇ હતી ફરિયાદ

ત્યારે આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાણીબા ઈન્ડસ્ટ્રીઝના માલિક વિભૂતિ પટેલ સહિત 6 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને 27 નવેમ્બર 2023એ અચાનક ગાયબ થયેલ આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા. તે બાદ તેમના 1 ડિસેમ્બરે રિમાન્ડ પૂર્ણ થતાં જેલ ધકેલાયા હતા.

Shah Jina