પ્રેમ માટે 3000 કિમી દૂરથી ભારત આવી મુસ્લિમ યુવતિ, સગાઇ કરતા જ બોલી- રામલલાના દર્શન કરીશ
જો પ્રેમ અને દિલ સાચા હોય તો ભગવાન પણ તમારો સાથ આપે છે. આ વાત ઇરાનની ફૈઝા અને ભારતના યુપીના મુરાદાબાદ જિલ્લામાં રહેતા દિવાકરની પ્રેમ કહાની સામે આવ્યા બાદ સાચી નજર આવે છે. સીમા હૈદર અને સચિન મીના બાદ હવે ઉત્તર પ્રદેશની વધુ એક લવ સ્ટોરી ચર્ચામાં છે.
મુરાદાબાદના યુટ્યુબર દિવાકરની સગાઇ ઈરાનની રહેવાસી ફૈઝા સાથે શુક્રવારે થઈ. ફૈઝા તેના પિતા સાથે 20 દિવસના વિઝા પર ભારત આવી છે. જોકે, કેટલાક રીપોર્ટ અનુસાર એવું કહેવામાં આવ્યુ છે કે તેને 45 દિવસના વિઝા મળ્યા છે. યુટ્યુબર દિવાકરે જણાવ્યું કે બંને વચ્ચે ઈન્સ્ટાગ્રામ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. જુલાઈ 2023માં તે ફૈઝાને મળવા માટે ટૂરિસ્ટ વિઝા પર ઈરાનના હમાદાન ગયો હતો.
ફૈઝાના પિતા અખરોટની ખેતી કરે છે. દિવાકરે જણાવ્યું કે શરૂઆતમાં ફૈઝાના પિતા લગ્ન માટે તૈયાર નહોતા, પરંતુ બાદમાં તેઓ રાજી થઈ ગયા. ફૈઝા 20 દિવસના વિઝા પર ભારત આવી છે. આ સમય દરમિયાન તે કાનૂની પ્રક્રિયા પણ પૂરી કરશે. ફૈઝા તેના પિતા સાથે આગ્રા, અયોધ્યા અને ઉત્તરાખંડ પણ જશે.
જ્યારે યુટ્યુબર દિવાકરને પૂછવામાં આવ્યું કે તેના પરિવારના સભ્યો કેવી રીતે સંમત થયા કારણ કે બંને અલગ-અલગ ધર્મ ધરાવે છે, ત્યારે દિવાકરે કહ્યું કે તેમના ઘરમાં ધર્મને લઈને કોઈ પ્રતિબંધ નથી. જો ફૈઝાને લાગે છે કે તેના ધર્મના રિવાજો અને પરંપરાઓ અનુસાર જીવવું યોગ્ય છે તો તે જીવી શકે છે. તેણે ફૈઝા પાસેથી ફારસી શીખી છે, હવે તે થોડી ફારસી બોલી લે છે.
જ્યારે ફૈઝાને હિન્દી શીખવાડી દીધુ છે. દિવાકરે કહ્યું, “ફૈઝા અને મારો ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયો હતો. શરૂઆતમાં અમે બંને એકબીજાના દેશો વિશે વાત કરતા હતા કારણ કે હું યુટ્યુબ પર ટ્રાવેલ બ્લોગ બનાવું છું. ત્યાર બાદ અમે બંનેએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને એકબીજાને સમજવા લાગ્યા.. આ પછી પ્રેમમાં પડ્યા.
દિવાકરે જણાવ્યું કે, “ઈરાનમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને દસ્તાવેજો અમારા દ્વારા LIUને સબમિટ કરવામાં આવ્યા છે અને ભારતમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં જ બંને લગ્ન કરી લેશે.” ફૈઝા અને તેના પિતા આગ્રામાં તાજમહેલ જોવા માંગે છે. આ પછી તે ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા પણ જવા માંગે છે કારણ કે આખી દુનિયામાં તેની ખૂબ ચર્ચા છે. તે ભારતીય સંસ્કૃતિને એક્સપ્લોર કરવા માંગે છે જેથી તે ભારતને સારી રીતે સમજી શકે.”