પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસે છે, ત્યારે બે દિવસની યાત્રા પર બાંગ્લાદેશ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમના જીવનમાં પ્રથમ આંદોલનમાં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ હતો. તેમણે કહ્યું કે હું યુવા હતો અને ત્યારે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ સાથે જોડાયેલ એક આંદોલનનો ભાગ બન્યો હતો. આ માટે જેલ પણ ગયો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદી માટેની તડપ ભારતમાં પણ હતી. પાકિસ્તાનની સેનાએ જે અત્યાચાર કર્યા તે તસવીર વિચલિત કરનારી હતી. જેણે ઘણા દિવસો સુધી ઉંધવા દીધા ન હતા.

પીએમ મોદીએ આગળ કહ્યું, “બાંગ્લાદેશની આઝાદીની લડતમાં સામેલ થવું એ મારા જીવનના પહેલા આંદોલનમાંથી એક હતું. જ્યારે હું અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે હું 20-22 વર્ષનો હોઇશ.”

તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહમાનના સન્માનમાં મુજીબ જેકેટ પહેરી હતી. પીએમે કહ્યું કે આ ભારતીય માટે ગર્વની વાત છે કે રહમાનને ગાંધી પીસ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતા. પીએમ મોદીએ ગાંધી પીસ પ્રાઇઝ આજે રહેમાનની નાની પુત્રી શેખ રેહાનાને આપવામાં આવ્યો હતો. રહમાનને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે “મારા જીવનની પ્રથમ ચળવળમાંની એક બાંગ્લાદેશની આઝાદીની લડત હતી. ત્યારે મેં અને મારા ઘણા સાથીઓએ બાંગ્લાદેશના લોકોની સ્વતંત્રતા માટે સત્યાગ્રહ કર્યો હતો. તે સમયે હું 20-22 વર્ષનો હોઇશ. બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં મારી ધરપકડ પણ થઇ હતી અને મને જેલમાં જવાની તક પણ મળી હતી. એટલે કે બાંગ્લાદેશની આઝાદીની ઝંખના એટલી જ ત્યાં હતી જેટલી અહીં હતી.

વડાપ્રધાનની ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. આ ટીપ્પણીને ટાંકીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય જ્ઞાન: આપણા વડા પ્રધાન બાંગ્લાદેશને ભારતીય ‘ફેક સમાચાર’નો સ્વાદ ચાખાડી રહ્યા છે. બાંગ્લાદેશ કોણે આઝાદ કરાવ્યો તે વાતને દરેક વ્યક્તિ જાણે છે.’

વિપક્ષના હુમલાઓ બાદ બચાવ માટે ભાજપના આઇટી સેલના લોકો પીએમના તરફેણમાં આવ્યા હતા. આઈટી સેલના વડા અમિત માલવીયાએ ટ્વિટ કર્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશને માન્યતા આપવા માટેના જનસંઘ દ્વારા આયોજિત સત્યગ્રહનો ભાગ હતા. હા, તે તેનો ભાગ હતા.”

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાનને મળવું મારે માટે સૌભાગ્યની વાત છે. મને લાગે છે કે તેમનો આ પ્રવાસ બન્ને દેશો માટે લાભદાયી સાબિત થશે. તેમણે ભારતમાં લીડરશીપ ક્ષમતાને સિદ્ધ કરી દેખાડી છે. મને આશા છે કે તેઓ ભવિષ્યમાં પણ ભારતને આગળ વધારશે. ભવિષ્યમાં પણ ભારત સાથેના અમારા સંબંધો મજબૂત રહેશે.