17 વર્ષનો છોકરો લાયસન્સ વગર બાઈક લઈને નીકળ્યો, ગુગલ મેપમાં નાખ્યું બહેનનું ઘર, એક્સપ્રેસ હાઇવે પર પહોંચતા જ મળ્યું દર્દનાક મોત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ખાસ કરીને યુવાનો વાહન ચલાવવા દરમિયાન અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલ તાજો મામલો વડોદરામાંથી સામે આવ્યો છે, જ્યાં એક બાઈક સવારનું અજાણ્યા વાહનની અડફેટમાં મોત નીપજ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલા આજવા રોડ પર આવેલી સેવાકુંજ સોસાયટીમાં રહેતો 17 વર્ષીય પ્રથમ પ્રકાશભાઈ રામવાણી પોતાની પાસે લાયસન્સ ના હોવા છતાં પણ બાઈક લઈને નીકળ્યો હતો. રસ્તો શોધવા માટે પ્રથમે ગુગલ મેપનો સહારો લીધો અને તેના આધારે જ બાઈક લઈને એક્સપ્રેસ હાઇવે પર ચઢી ગયો.
થોડે આગળ જતા તેને લાગ્યું કે તે ખોટા રસ્તા પર ચઢી ગયો છે જેના કારણે તેણે પરત ફરવાનું વિચાર્યું. તે બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ કોઈ અજાણયા વાહનમાં ભટકાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે મંજુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સગીરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પ્રથમના મોતના સમાચાર મળતા જ પરિવારમાં પણ માતામ છવાયો હતો. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તે છાણીમાં રહેતી તેની બહેનના ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે જ તે ભૂલમાં એક્સપ્રેસ વે પર ચઢી ગયો. પરિવારજનોએ આ અકસ્માતના મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાથે જ હાઇવે ઓથોરીટી દ્વારા કોઇ માર્ગદર્શન આપતા બોર્ડ લગાવ્યા ન હોવાથી અકસ્માત સર્જાયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.