અમદાવાદમાં જો કોઇ ઘટનાની વધારે ચર્ચા થઇ રહી હોય તો તે છે ઇસ્કોન બ્રિજ પરનો ગમખ્વાર અકસ્માત. તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવી ઇસ્કોન બ્રીજ પર થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માત જોઇ રહેલા અને મદદ કરી રહેલા લોકો પર ચઢાવી દીધી.
આ ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોતની ખબર છે, જેમાં પોલિસકર્મી પણ સામેલ છે. ત્યારે આ કેસમાં પોલિસ તથ્ય વિરૂદ્ધ અકસ્માત અંગે અનેક સજ્જડ પુરાવા એકત્ર કરી રહી છે. ત્યારે આ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો હોવાની ખબર છે.
જેગુઆર કારનો માઇક્રો રિપોર્ટ U.K.થી મંગાવ્યો
કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે. આ માહિતી તથ્યકાંડમાં પોલીસને મદદરૂપ થશે. એવી ખબર હતી કે તથ્યએ અકસ્માત સમયે બ્રેક ન લાગી હોવાનું નિવેદન આપ્યું હતું પણ કાર કંપનીના નિષ્ણાંતોએ કારની બ્રેકમાં કોઇ ખામી ન હોવાનું જણાવ્યું છે
તેમજ કારની ફિટનેસ પણ યોગ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. તથ્ય આ કેસમાં પોલિસને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે અને એટલે જ પોલિસ આ કેસને લગતા તમામ પૂરવા એક્ત્ર કરી રહી છે. પોલિસે કારનો રિપોર્ટ માંગવાની સાથે સાથે ચોક્કસ મોડલની કારના સુરક્ષાના માપદંડ અને તેને મજબુતાઇ અંગેની માહિતી પણ મંગાવી છે.
FSLના રીપોર્ટમાં થયો હતો અકસ્માત સમયે કારની સ્પીડનો ખુલાસો
આ ઉપરાંત ગઇકાલે જ FSLનો રીપોર્ટ આવ્યો હતો અને અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું. આ કેસમાં અત્યાર સુધીમાં 15-17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. તેમજ કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
તેમજ DNA રિપોર્ટમાં પણ અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસે FSLએ કરેલા રિકન્સ્ટ્રકશનનાં પુરાવા પણ ચાર્જશીટમાં મુક્યા છે અને સિંધુભવન રોડ પર અને શીલજ પાસે તથ્યએ સર્જેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો છે.