ખુશખબરી: એકસાથે 4 સીસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ભુક્કા બોલાવશે વરસાદ, વાંચો
છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતનાં પંથકમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એકસાથે સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાને કારણે આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં કેટલાક જીલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, દીવ, દમણ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રનાં વડોદરા, નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, ડાંગ, દ્વારકા, બોટાદ અને પોરબંદરમાં આજે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 17 જુલાઈથી 5 દિવસ છૂટા છવાયા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. કચ્છથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનાં અનેક ભાગોમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે.