પાંચ દિવસની ભારે જહેમત બાદ મળી આવ્યો મહેસાણાના આર્મી જવાનનો મૃતદેહ, નદીમાં પલટાઇ હતી આર્મી ટ્રક

મહેસાણાના આર્મી જવાનનો તદેહ અંતે 5 દિવસની શોધખોળ બાદ મળ્યો, પરિવારમાં સર્જાયો કલ્પાંત

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. જેમાં કેટલીકવાર કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે હાલમાં મહેસાણાના સુલીપુર ગામના એક આર્મી જવાનનો મૃતદેહ 5 દિવસની ભારે શોધખોળ બાદ મળી આવ્યો છે. મંગન જિલ્લાની તીસ્તા નદીમાં ગંગટોક જતી વખતે આર્મીની ટ્રક પલટી મારી ગઇ હતી અને આ અકસ્માત બાદથી રાયસંગજી ઠાકોર લાપતા હતા.

તેમની પાંચેક દિવસથી નદીમાં શોધખોળ ચાલી રહી હતી અને તે બાદ તેમના ગુમ થયા પછી પરિવારે અન્નજળનો ત્યાગ કર્યો હતો. આર્મી જવાનને શોધવા માટે પરિવારે માગ કરી અને તે બાદ પાંચ દિવસની શોધખોળ બાદ આખરે સિક્કિમની તીસ્તા નદીમાંથી આર્મી જવાનનો મૃતદેહ મળી આવ્યો. ત્યારે હવે પરિવાર સહિત ગામમાં શોક વ્યાપી ગયો છે. સુલીપુર ગામના 26 વર્ષીય રાયસંગજી ઠાકોરે અભ્યાસ પૂર્ણ થયા બાદ સેનામાં ફોર્મ ભર્યું અને તેમની 2017માં આર્મીમાં પસંદગી થઈ.

તેમનું પહેલુ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું અને જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેમનું સિક્કીમમાં પોસ્ટિંગ થયું હતું. જ્યાં તેઓ યુનિટ-517, બટાલિયન ASCમાં ફરજ બજાવતા હતા. ત્યારે જવાન રજાઓમાં પોતાના પરિવારને મળવા આવવાના હતા અને 1 એપ્રિલના રોજ સવારના 08.30 વાગ્યે તેમની પત્ની સાથે વાતચીત પણ થઈ હતી. જે બાદમાં તેમનો 9 વાગ્યા પછી ફોન ન લગતા પરિવારજનો ચિંતાતુર બન્યા.

બીજી બાજુ સવારના 10.30 આસપાસ બંગાળના સિલ્લીગુડીથી સિક્કીમના ગંગટોક આર્મીની ટ્રક તિસ્તા નદીમાં ખાબકતા 1 એપ્રિલની સાંજે 8.30 વાગ્યે આર્મી ઓફિસરનો મૃતકની પત્નીના નંબર પર ફોન આવ્યો અને તેમણે જણાવ્યુ કે, તમારા પતિની ગાડીનો અકસ્માત થઈ ગયો હોવાને કારણે તિસ્તા નદીમાં ડૂબી ગયેલા રાયસંગજી ઠાકોરની શોધખોળ કરવામાં આવી રહી છે.

જો કે, આ ખબર આવતા જ પરિવારજનોના પગ નીચેથી તો જમીન ખસી ગઈ અને કલ્પાંત સર્જાયો. આર્મી જવાનના ગુમ થયા બાદ પરિવારે અન્નજળનો ત્યાગ કર્યો અને આખરે પાંચ દિવસની શોધખોળ બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો. જણાવી દઇએ કે, મૃતકને 8 મહિવનાનું બાળક છે અને હવે આટલી નાની ઉંમરે તેના માથા પરથી પિતાની છત્રછાયા રહી નથી.

Shah Jina