ભાણીએ પરિવારની મરજી વિરૂદ્ધ ભાગીને લગ્ન કર્યા તો યુવતીના મામાએ તેના પતિને પતાવી દીધો, રક્ષાબંધન પહેલા જ ત્રણ બહેનોએ એકનો એક ભાઇ ગુમાવ્યો

લફરાં કરીને ભાગીને લગ્ન કરનારા ચેતી જજો હવે: રાજકોટમાં રક્ષાબંધન પૂર્વે મામાએ ત્રણ બહેનના એકના એક ભાઈની હત્યા, જાણો શું છે મામલો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમયથી અંગત અદાવતમાં, પ્રેમ સંબંધમાં કે પછી અવૈદ્ય સંબંધમાં અથવા તો કોઇ વાતનો ખાર રાખી હત્યા કરવામાં આવતી હોવાના કિસ્સા બને છે. અમદાવાદ, સુરત અને વડોદરાની સાથે સાથે રાજકોટમાં પણ દિન પ્રતિદિન ઓનરકિલિંગની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલમાં કોટડાસાંગાણીના પડવલા ગામે ચારણ કન્યા સાથે પ્રેમ લગ્ન કરનાર પરપ્રાંતીય યુવકની યુવતિના નજીકના સગાઓએ હત્યા કરી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને સકંજામાં લીધા અને સઘન પુછપરછ હાથ ધરી હતી.

રક્ષાબંધન પૂર્વે જ બુધવારના રોજ કોટડા સાંગણીમાં ઉત્તરપ્રદેશના 22 વર્ષીય યુવકની કથિત રીતે સાસરિયા દ્વારા હત્યા કરવામાં આવી. આ યુવકે તે યુવતી સાથે તેના પરિવાર વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કર્યા હતા. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, કોટડાસાગાંણીના પડવલા ગામે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા અરૂણ ગોયલે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી તરીકે લોધીકાના મેટોડા ગામમાં રહેતા વિહળ માલાણી, લોધીકાના માખાવડ ગામે રહેતા રાદેવ માલાણી અને કોટડાસાંગાણીના શાપર ગામે રહેતા શિનો વાલાનું નામ આપ્યું છે. ફરિયાદી મુળ ઉત્તર પ્રદેશના વતની છે અને રાજકોટ નજીક ત્રણ વર્ષ પહેલા શાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હતા અને મજુરી કામ કરતા હતા.

આ વખતે શાંતિધામમાં રહેતા નાથીબેન માલાણીની પુત્રી અલય ઉર્ફે કુંવર સાથે ફરિયાદીના પુત્ર પિયુષની આંખ મળી ગઇ હતી અને બંને શાપર વેરાવળથી ભાગી રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર પ્રદેશ ગયા હતા. જો કે, યુવતિની ઉંમર નાની હોવાને કારણે પોલીસમાં ફરિયાદ થતા પિયુષની ધરપકડ કરવામાં આવી હતી અને 9 માસ પિયુષ જેલમાં રહ્યા બાદ જામીન પર છુટીને આવ્યો હતો. તે બાદ યુવતિના સગાસબંધી અને પરિવારજનોએ પ્રેમલગ્ન મંજુર ન કર્યા અને તેને કારણે અલય સાથે ઉત્તર પ્રદેશ રહેવા જતો રહ્યો હતો. પિયુષ પત્ની અલય અને એક પુત્ર સાથે ત્રણ દિવસ પહેલા જ પડવલા ગામે માતા-પિતા અને બહેનો પાસે રાખડી બંધાવવા અને મળવા માટે આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ વાતની જાણ યુવતિના પરિવારજનોને થતા અલયની માતા અને ભાઈ તેને 9 તારીખે મળવા માટે આવ્યા અને માતા અને પુત્રએ પ્રેમ લગ્ન કરનાર અલયને મોબાઈલ ફોન ગીફ્ટ આપ્યો. જે બાદ બીજા દિવસે 10 ઓગસ્ટના રોજ અલયનો ભાઈ કરણ, કાનો સહિત ત્રણ શખ્સો એક્ટીવા લઈ મળવા માટે ગયા ત્યારે એક કલાક સુધી બહેન પાસે રહ્યા બાદ બંને જતા રહ્યા હતા. તે બાદ બુધવારના રોજ સવારે પિયુષ તેની પત્ની અલય સાથે ઓફિસમાં બેઠો હતો ત્યારે જ અલ્ટ્રોકારમાં યુવતિના મામા, માસીનો દિકરો સહિતના શખ્સો ધસી આવ્યા અને સીધા ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર માર્યો.

પ્રતિકાત્મક તસવીર

પિયુષને બેરહેમીથી માર માર્યા પછી આરોપીઓએ અલયનું અલ્ટો કારમાં અપહરણ કરા ભાગી ગયા. જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિયુષને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ ઘટનાની જાણ થતા શાપર-વેરાવળના ઈન્ચાર્જ પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલીક દોડી ગયો અને ઓનર કિલીંગની ઘટનાને ધ્યાને લઈ મોડી રાત સુધી કોમ્બીંગ કરી અપહરણનો ભોગ બનેલી અલયને છેડાવી.જે બાદ આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી.

Shah Jina