હજુ તો કાલી ફિલ્મને લઈને વિવાદ શાન્ત થયો નથી ત્યાં વધુ એક ફિલ્મ ઘેરાઈ વિવાદોમાં, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને સેનેટરી પેડ ઉપર બતાવી

દિગ્દર્શક લીના મણિમેકલાઈની વિવાદાસ્પદ દસ્તાવેજી ફિલ્મ ‘કાલી’ના પોસ્ટર વિવાદને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી કે નવી ફિલ્મના પોસ્ટરને લઈને ઈન્ડસ્ટ્રીમાં વિવાદ શરૂ થઈ ગયો છે. આ ફિલ્મ ‘માસૂમ સવાલ’નું પોસ્ટર છે જેમાં સેનેટરી પેડ પર ભગવાન કૃષ્ણનો ફોટો બનાવવામાં આવ્યો છે.

પીરિયડ્સ પર બનેલી આ ફિલ્મ 2 દિવસ પછી રિલીઝ થવા જઈ રહી છે. હવે તેના પોસ્ટરને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થયો છે. ઘણા લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર 18 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. યુટ્યુબ પર આ ટ્રેલરના કોમેન્ટ બોક્સમાં ઘણા લોકોએ પોસ્ટરનો વિરોધ કર્યો છે. આ ફિલ્મ 5 ઓગસ્ટે રિલીઝ થવાની છે. હવે આ મામલો ફરી સોશિયલ મીડિયા પર પ્રકાશમાં આવ્યો છે.

પોસ્ટર વિવાદ પર ફિલ્મના નિર્દેશક સંતોષ ઉપાધ્યાય અને અભિનેત્રી એકાવલી ખન્નાનું નિવેદન સામે આવ્યું છે. ડિરેક્ટર સંતોષે કહ્યું કે અમારો હેતુ કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. આ ઉપરાંત ફિલ્મમાં વકીલની ભૂમિકા ભજવતી અભિનેત્રી એકાવલી ખન્નાએ કહ્યું, “હું પોસ્ટર પર કોઈ પ્રતિક્રિયાથી વાકેફ નથી, પરંતુ જો એમ હોય, તો હું એટલું જ કહીશ કે નિર્માતાઓનો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. ફિલ્મનો હેતુ માત્ર સમાજની રૂઢિચુસ્ત વિચારસરણીને તોડવાનો છે. આજની પેઢીમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી જે બળજબરીથી મહિલાઓ પર થોપવામાં આવે છે.”

ફિલ્મનું 2.25 મિનિટનું ટ્રેલર એક નાની છોકરીની વાર્તા કહે છે જે મીરાબાઈની જેમ કૃષ્ણને પોતાની સાથે લઈ જાય છે. આ છોકરી કૃષ્ણને પોતાનો ભાઈ માને છે. જેમ જેમ તે થોડી મોટી થાય છે તેમ તેમ તેને પીરિયડ્સ આવવા લાગે છે. આ દરમિયાન તેને 4 થી 5 દિવસ સુધી કૃષ્ણથી દૂર રહેવાનું કહેવામાં આવે છે કારણ કે તે અશુદ્ધ છે. જેના કારણે યુવતી પરેશાન થઈ જાય છે અને આ સમસ્યાને લઈને કોર્ટમાં જાય છે. આખી ફિલ્મ આ છોકરીના એક ‘માસૂમ સવાલ’ પર વણાયેલી છે, તે કેવી રીતે અપવિત્ર છે?

Niraj Patel