ગુજરાતીઓ સાવધાન ! લૂ એલર્ટ સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી…એપ્રિલમાં ભયંકર ગરમી સાથે આ તારીખે પડશે માવઠું

ભયંકર ગરમીની આગાહી ! દેશના અનેક રાજ્યોમાં લૂ એલર્ટ સાથે વરસાદની આગાહી

જ્યારથી ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારથી હવામાન વિભાગ દ્વારા કે પછી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લે અંબાલાલ પટેલે ગરમીની પણ આગાહી કરી હતી. હાલમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, દેશના કેટલાક ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે જ્યારે પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા. ત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં લૂ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

આ ઉપરાંત પશ્ચિમ હિમાલયમાં હળવા વરસાદ અને હિમવર્ષાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દિલ્હીમાં આજે એટલે કે 4 એપ્રિલે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની જ્યારે 5 એપ્રિલે હળવા વરસાદની આગાહી કરાઇ છે. સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 35થી37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 17થી19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આવતા 3થી4 દિવસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ ચાલુ રહી શકે છે.

ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 4થી5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય કેરળ અને દક્ષિણ તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ શક્ય છે. ઉત્તર આંતરિક કર્ણાટક, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં ગરમીની લહેર સ્થિતિ શક્ય છે. ઓડિશાના જુદા જુદા ભાગોમાં રાત્રિનું હવામાન ખૂબ ગરમ હોઈ શકે છે.

અમદાવાદ હવામાન વિભાગના મોમસ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. તેમણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર ન થવાની આગાહી કરી છે. ગુજરાતમાં સાતમી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે 9મી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર ડિગ્રી ઉષ્ણતાપમાન વધવાની શક્યતા છે.

આ ઉપરાંત દેશના કેટલાક ભાગોમાં 12થી 18 તારીખમાં મોટો પલટો આવશે અને આ પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે. ગત રોજ અંબાલાલ પટેલે 12થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે કચ્છ, સુરત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

Shah Jina