ખરાબ રસ્તાની હાલત વિશે કેમરા સામે ઉભો રહીને બોલી રહ્યો હતો વ્યક્તિ, ત્યારે જ પાછળ ઈ-રીક્ષાએ ખાડામાં ધડામ દઈને મારી પલ્ટી, વાયરલ થયો વીડિયો

ભારતમાં રસ્તા પરના ખાડાઓની સમસ્યા લગભગ દરેક શહેરમાં ક્યાંકને ક્યાંક જોવા મળે છે. સ્થાનિક લોકો આ સમસ્યાથી પરેશાન છે અને તેમની વાત પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ ભાગ્યે જ જોવા મળે છે. વરસાદની ઋતુમાં આ સમસ્યા વધુ બનતી જાય છે અને રોજેરોજ રોડ પર પડેલા ખાડાઓને કારણે કેટલાક લોકો ઘાયલ થઈ રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં બની છે. બલિયા બંસડીહ રોડ બનાવવાનું કામ છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યું છે. રોડનું બાંધકામ પૂર્ણ ન થવાના કારણે રસ્તામાં મોટા ખાડાઓ સર્જાયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્થાનિક નાગરિક રસ્તાની દુર્દશા અંગે પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યો હતો જ્યારે તેની પાછળ મુસાફરોથી ભરેલી ઈ-રિક્ષા પલટી ગઈ હતી.

જ્યારે ઈ-રિક્ષા ખાડામાં પલટી ગઈ તેના બાદ અરાજકતા સર્જાઈ હતી. ત્યાં હાજર લોકોએ કોઈક રીતે ઈજાગ્રસ્ત લોકોને અને ઈ-રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી હતી. નિર્માણાધીન રોડ પર દરરોજ આવા અકસ્માતો બને છે. બલિયાના એક મુસાફર રસ્તા પરના ખાડાઓને કારણે થતા અકસ્માતો અંગે ફરિયાદ કરતા જોવા મળે છે.

આ માણસ વાત કરે છે કે રસ્તા પર મુસાફરી કરવી કેટલી મુશ્કેલ છે અને તેના પરિણામે ઈ-રિક્ષાઓ કેવી રીતે પલ્ટી જાય છે. જ્યારે તે રિપોર્ટરના કેમેરા સામે રસ્તાની સમસ્યા વિશે વાત કરી રહ્યો હતો ત્યારે પાછળ એક ચોંકાવનારો અકસ્માત થયો હતો. એક ઈ-રિક્ષા માણસના બેકગ્રાઉન્ડમાં આવીને પાણીથી ભરેલા ખાડામાં પડી ગઈ. ઈ-રિક્ષામાં બેઠેલા મુસાફરો પણ તે ખાડામાં પડી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel