યુવકને જય શ્રી રામના નારા લગાવવા અને થૂંક ચાટવા ઉપર કર્યો મજબુર? BJP કાર્યકર્તાઓ ઉપર આરોપ, વીડિયો થયો વાયરલ

દેશભરમાંથી ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જેને જોઈને માનવતા પણ શર્મસાર થતી હોય તેમ લાગે ત્યારે હાલ ઝારખંડના ધનબાદમાં એક યુવકને થૂંક ચાટવા અને જય શ્રી રામના નારા લગાવવા મજબૂર કરવાનો મામલો સામે આવ્યો છે.

આ ઘટનાને અંજામ આપવાનો આરોપ ભાજપના કાર્યકરો પર છે. કહેવામાં આવી રહ્યું છે કે પંજાબમાં બીજેપી કાર્યકર્તા સુરક્ષામાં ખામીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તે દરમિયાન યુવકે પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી, જેના કારણે ગુસ્સે થયેલા કાર્યકરોએ તેને માર માર્યો. મુખ્યમંત્રી હેમંત સોરેને આ મામલાની તપાસ કરવા અને દોષિતોને કડક સજા આપવાનો નિર્દેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ ધનબાદ જિલ્લામાં ગાંધી પ્રતિમા પાસે ભાજપના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. તેઓ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિનો વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન એક મુસ્લિમ યુવક કથિત રીતે ત્યાંથી પસાર થયો હતો અને તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ઝારખંડ અધ્યક્ષ દીપક પ્રકાશ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના કારણે ભાજપના કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીડિત યુવક હાથ જોડીને દયાની ભીખ માંગતો જોવા મળ્યો હતો. પોલીસે યુવકની ઓળખ અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે મુસ્લિમ છે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ વીડિયોની લિંકને રીટ્વીટ કરી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી.

તેમણે કહ્યું કે આ મામલાની તપાસ થવી જોઈએ. તેમજ ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ. ઝારખંડમાં લોકો શાંતિ અને પ્રેમથી રહે છે. નફરત કરનારાઓને અહીં કોઈ સ્થાન નથી. તો ધનબાદના પોલીસ અધિક્ષક રામકુમારે કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ મામલે પીડિત અને ભાજપના કાર્યકરો તરફથી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

Niraj Patel