વીજળી ટાવર પર ચઢી આ શખ્સ કરવા લાગ્યો ડાંસ, બે કલાક સુધી ચાલ્યો હાઇવોલ્ટેજ ડ્રામા- જુઓ વીડિયો

માનસિક રીતે પરેશાન એક વ્યક્તિ દારૂના નશામાં રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ નોઇડા સેક્ટર-78 સ્થિત વીજળીના ટાવર પર ચઢી ગયો હતો. આને લઇને બે કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. ટ્રાફિક પોલીસ, સિવિલ પોલીસ અને ફાયર વિભાગની ટીમે કોઈક રીતે વ્યક્તિને શાંત પાડીને નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન સેંકડો લોકો વીજળીના ટાવર પાસે એકઠા થયા હતા. લોકોએ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો અને વીડિયો વાયરલ થઇ ગયો.

ACPએ જણાવ્યું કે, કુલપહાડ, મહોબાના રહેવાસી ભગવાન દાસ સેક્ટર-78 સ્થિત ઝૂંપડપટ્ટીમાં તેમના પરિવાર સાથે રહે છે. તે ટાઇલ્સ નાખવાનું કામ કરે છે. આ દિવસોમાં તે માનસિક રીતે પરેશાન છે. તેણે રવિવારે બપોરે દારૂ પીધો હતો. દારૂના નશામાં તે ઘરની નજીક આવેલા ઇલેક્ટ્રિક ટાવર પર ચઢી ગયો, જેની જાણ લોકોએ સેક્ટર-113 પોલીસને કરી. પોલીસ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્થળે પહોંચી. જો કે ભગવાનદાસ પોલીસની ટીમને જોઈને ટાવર પર જ નાચવા લાગ્યો. અનેક અપીલ બાદ પણ તે નીચે ન આવતાં ફાયર વિભાગ અને ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસે તેની સાથે મોટા અવાજે વાતચીત કરવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વાત કરતાં વીજ પુરવઠો બંધ કરાયો હતો. ટાવર પર ચઢ્યા પછી, તે વ્યક્તિએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને હાથ-પગથી ઇશારા કર્યા. પોલીસ અધિકારીઓએ ભગવાન દાસને ખાતરી આપી કે તેની સમસ્યા ગમે તે હોય, તેના ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવશે. લગભગ બે કલાક સુધી સમજાવ્યા પછી તે વ્યક્તિ પોતાની મેળે નીચે આવ્યો. આ પછી તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.

Shah Jina