ખરાબ રીતે ડ્રાઈવિંગ કરતા લોકો પર મલ્હાર ઠાકરની લાલ આંખ, ખુલ્લે આમ આપી આ ચેતવણી, તેના નજીકના વ્યક્તિના નિધનથી ગુસ્સે ભરાયો અભિનેતા, જુઓ વીડિયોમાં શું કહ્યું ?
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો મોતને ભેટતા હોય છે. ઘણીવાર રોડ પર કેટલાક નબીરાઓ બેફિકરાઈ ભરેલું વાહન ચલાવતા હોય છે અને તે અન્ય રાહદારીઓને ટક્કર પણ મારતા હોય છે. જેમાં કેટલાય લોકોનો જીવ પણ ચાલ્યો જતો હોય છે.
ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં એક આશાસ્પદ યુવકને એક કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત નિપજ્યુ હતું. આ યુવકનું નામ જપન ઠાકર હતું. જે થોડા સમયમાં જ આવનારી ગુજરાતી ફિલ્મ “3 એક્કા”માં આસી. ડાયરેક્ટરની ભૂમિકા અદા કરી રહ્યો હતો. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હતું અને તેને લઈને તે ખુબ જ ખુશ પણ હતો.
પરંતુ કોઈની ભૂલના કારણે જપનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર 27 વર્ષીય જપન ઠાકર રાત્રે 2 વાગ્યાની આસપાસ ફિલ્મ જોઈને સોલા ઓવરબ્રિજ પરથી પોતાનું એક્ટિવા લઈને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન બેફામ રીતે કાર ચલાવી રહેલા પાર્થ કાંઝિયા નામના એક વ્યક્તિએ એક્ટિવાને પાછળથી ટક્કર મારતા જપન રોડ પર પટકાયો.
આ અકસ્માતમાં જપનનું મોત થયું. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો જપનને શ્રધાંજલિ પાઠવી રહ્યા છે અને બેફામ રીતે વાહન ચાલવતા લોકો પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પણ આ અકસ્માતને લઈને પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
મલ્હાર ઠાકર “3 એક્કા” ફિલ્મનો ભાગ છે અને તેના કારણે જ તેણે જપન સાથે ઘણો સારો એવો સમય પણ વિતાવ્યો હતો. મલ્હારે એક વીડિયો શેર કરીને પોતાની હૈયા વરાળ ઠાલવી છે. તેણે બેફામ રીતે વાહન ચાલવતા લોકોને બે હાથ જોડીને વિનંતી પણ કરી છે કે આ રીતે વાહન ના ચલાવો કોઈનો જીવ પણ તમારા લીધે છે.
મલ્હાર વીડિયોમાં જણાવી રહ્યો છે કે જપનના નિધનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો હતો. એ અમારી ટીમનો એક માણસ હતો, પોતાના સપનાઓ પાછળ ભાગનારો, સતત કાર્યરત રહેતો છોકરો આજે અમારી વચ્ચે નથી. આ કહેતા કહેતા જ બહુ દુઃખ થાય છે. આ ઉપરાંત મલ્હારે બેફામ ડ્રાઈવ કરનારા લોકો પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.
મલ્હારે વીડિયોમાં આગળ કહ્યું કે, “જેટલા પણ લોકો આ રેસ ડ્રાઈવિંગ કરે છે તે બંધ કરી દો. 26 વર્ષના છોકરાના પરિવારની ખરાબ હાલત છે. તમારા રેસ ડ્રાઈવિંગના કારણે કોઈનો જીવ જાય છે તેનું ધ્યાન રાખવું એ તમારી જવાબદારીમાં આવે છે. આ તમારા બાપનું મેદાન નથી કે તમે રેસ ડ્રાઈવિંગ કરો, તમે કોઈને ઉડાવી દો, કોઈનું મોત થઇ જાય.”
View this post on Instagram
આ ઉપરાંત પણ મલ્હારે પોતાનો ગુસ્સો અને દુઃખ ઠાલવતા ઘણી બધી કડવી હકીકતો પણ જણાવી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ મલ્હારની આ વાતને સાચી માની રહ્યા છે, ઉપરાંત કોમેન્ટમાં પણ લોકો આ રીતે બેફામ ડ્રાઈવિંગ ના કરવાનું જણાવી રહ્યા છે.
View this post on Instagram
આ ઉપરાંત જપન ઠાકરના નિધન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોએ શ્રધાંજલિ પાઠવી હતી. જપનના નિધનનું દુઃખ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ લોકોને થયું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે શ્રધાંજલિ પણ આપી રહ્યા છે. પોલીસે પણ આ મામલે કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.