“સાસુ-સસરા મા-બાપ ન થયા, પતિ મારો ન થયો જેથી આત્મહત્યા કરૂ છું” એવી સુસાઇડ નોટ લખીને ઉમરેઠની દીકરીએ જીવન ટૂંકાવ્યું

સાસરિયાના ત્રાસથી પરણીતાએ જીવન ટૂંકાવ્યું, ગળે ટુંપો ખાતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં થયો મોટો ઘટસ્ફોટ: “સાસુ-સસરા મા-બાપ ન થયા, પતિ મારો ન થયો…

સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીમાં સપડાઈ કે પછી પ્રેમના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણી પરણીતાઓ પણ સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવી દેવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હાલ એવી જ એક ઘટના મહેમદાબાદમાંથી સામે આવી છે જ્યાં એક પરિણીતાએ સાસરિયાના ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મહેમદાબાદના મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કમાં રહેતા પરણિત જલ્પાબેને ગત રાત્રે પોતાના ઘરે ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત કરતા પહેલા જલ્પાબેને સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં ઘણા મોટા ઘટસ્ફોટ થયા હતા. જલ્પાબેન દ્વારા લખેલી સુસાઇડ નોટના આધારે મહેમદાવાદ પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ૩૦૬,૪૯૮ A ,૧૧૪ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં રહેતા ઘેલાભાઈ અમૃતભાઈ ડાભીની દીકરી જલ્પાના લગ્ન ગત 18 જાન્યુઆરી 2020 ના રોજ સામાજિક રીતિ રિવાજ સાથે ખેડા જીલ્લાના મહેમદાવાદ મામલતદાર કચેરી સામે આવેલ રાધેકિશન પાર્કના મકાન નંબર ૬૮માં રહેતા આકાશ કિરણ હિંગુ સાથે થયા હતા.

લગ્નના એક વર્ષ સુધી તેનું લગ્ન જીવન ખુબ જ સારું ચાલતું હતું પરંતુ એક વર્ષ બાદ જ તેને સાસરિયા તરફથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જલ્પાના પતિ આકાશ સસરા કિરણ રતિલાલ હિંગુ, સાસુ છાયાબેન હિંગુ અને નણંદ હિનલ દ્વારા જલ્પાને નાની નાની વાતોમાં માનસિક ત્રાસ આપવાનો ચાલુ કર્યો હતો. જે અંગેની જાણ જલ્પાબેને પિયરપક્ષમાં પણ કરી હતી. પરંતુ તે સમયે જલ્પાના માતા પિતાએ સૌ સારાવાના થઇ જશે એમ કહી અને હૈયા ધારણા પણ આપી હતી, પરંતુ આખરે સાસરિયાનો ત્રાસ સહન ના થવાના કારણે જલ્પાબેને જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો. પરણીતાએ સુસાઇડ નોટમાં સાસુ-સસરા મા-બાપ ન થયા,  પતિ મારો ન થયો જેથી આત્મહત્યા કરૂ છું, તેમ લખ્યું છે.

Niraj Patel