લગ્ન પછી માતા-પિતા બીમાર હોવાનું બહાનું બતાવી યુવતી ગઈ સુરત ને પછી તો…..

ગુજરાતમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલીક યુવતિઓ દ્વારા લગ્નેચ્છુક યુવકોને ફસાવવામાં આવે છે અને લગ્ન કરી પછી તેઓ સાસરેથી રોકડ અને ઘરેણા લઇ ફરાર થઇ જતી હોય છે. ત્યારે હાલ ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. નળાસરના યુવક સાથે સુરતની લૂંટરી દુલ્હને લગ્ન કર્યા અને પછી 10 જ દિવસમાં રૂ.1.70 લાખ લઈ ફરાર થઈ ગઈ છે. યુવકના પગે ફ્રેક્ચર હોવાથી તે બરોબર ચાલી શકતો નહોતો અને તેને કારણે સમાજની છોકરી તેને પસંદ કરતી નહોતી. પાલનપુરના નળાસર ગામના યુવકે પાલનપુરના વચેટીયાની મદદથી પાવાગઢના એજન્ટ થકી 1.70 લાખ રૂપિયા આપી સુરતની યુવતી સાથે ફૂલહાર કર્યા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, આ યુવતિ તો લગ્નના 10 દિવસમાં જ કાંડ કરી ગઇ. ઘટનાની વિગત જોઇએ તો, નળાસરના ભાવેશભાઇ પાલનપુરની દુકાનમાં નોકરી કરે છે. તેમનો બે વર્ષ પહેલા અકસ્માત થયો હતો અને તેને કારણે તેમને એક પગે ફ્રેકચર થયું હતુ. જેના લીધે તેઓ બરોબર ચાલી શકતા નથી. આને કારણે તેમના સમાજમાં કોઇ યુવતી તેમને પસંદ કરતી નહોતી. ત્યારે પાલનપુર સીટીલાઇટ પાછળ રહેતા ભાવેશભાઇના મિત્ર મહેશભાઇએ તેમનો પરિચય પંચમહાલના કાલોલના હાલોલના શૈલેષભાઇ સાથે કરાવ્યો.

આ વ્યક્તિએ પાવાગઢના હૈદરઅલી ઉર્ફે એઝાઝ કાઝી સાથે મુલાકાત કરાવી અને મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના અક્કલકોટ તાલુકાના દેવીકોટની સુરેખાબેન નામની છોકરી બતાવી હતી. આ છોકરી ભાવેશભાઇને પસંદ આવી અને 22 માર્ચ 2022ના રોજ તેઓ તેને પાલનપુર લઇ આવ્યા. જ્યાં 1,60,000 અને રૂપિયા 10,000 ગાડીના ભાડાપેટે મળી કુલ રૂપિયા 1,70,000 આપ્યા હતા. આ વખતે ફુલહાર કરી કોર્ટમાં મૈત્રીકરાર કરવામાં આવ્યો અને ત્યાંથી તેઓ નળાસર ગામે લઇ આવ્યા હતા. 1 એપ્રિલના રોજ એટલે કે મૈત્રી કરાર કર્યાના દસ દિવસ પછી સુરેખાના માતા- પિતા બિમાર હોવાથી હું લેવા આવું છુ તેમ કહી હૈદર નળાસર આવ્યો અને કહ્યુ કે, દસ દિવસ પછી મુકી જઇશ.

જે બાદ તે સુરેખાને સાથે લઇને જતો રહ્યો. સુરેખાએ ચારેક દિવસ પછી ફોન કરી કહ્યુ કે, મારે નળાસર રહેવું નથી, તમે સુરત આવી જાવ. જે બાદ ભાવેશે કામધંધાનું પુછ્યુ તો તેણે કહ્યુ તમારે કામ- ધંધો કરવાની કોઇ જરૂર નથી. જો કે ભાવેશે માતા- પિતાને મુકીને ન આવી શકું, તેમ કહ્યુ. ત્યારે લૂંટેરી દુલ્હને કહ્યુ કે- હું નળાસર આવવાની નથી અને મારે તમારા સાથે રહેવું નથી. તમે જેને પૈસા આપ્યા હોય તેની પાસેથી લઇ લેજો. જે બાદ ભાવેશભાઇએ હૈદરને પૈસા પરત કરવાની વાત કરી ત્યારે તેણે ખોટા વાયદા આપ્યા અને પછી ધમકી આપી, જે બાદ આખરે પીડિતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

Shah Jina