એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા, સિનેમેટોગ્રાફર, પ્રોડ્યુસર ગંગુ રામસેનું નિધન થયું છે. લાંબા સમયથી બીમાર ગંગુ રામસેએ દુનિયાને અલવિદા કહી દીધું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એક મહિનાથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા, તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં રવિવારે સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર ગંગુ રામસેએ 83 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધન બાદ સિનેમા જગતમાં શોકનો માહોલ છે. રામસે બ્રધર્સ હિન્દી સિનેમાનું એક મોટું નામ છે અને ગંગુ રામસે પ્રખ્યાત સિનેમેટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા એફ.યુ. રામસેના બીજા મોટા પુત્ર હતા. પિતાની જેમ ગંગુ રામસે પણ લોકપ્રિય સિનેમેટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા હતા.
તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો અને ટીવી શો કર્યા છે, જેના લોકો આજે પણ વખાણ કરે છે. સિનેમા જગતમાં પોતાની ઊંડી છાપ છોડનાર ગંગુ રામસેએ પોતાની કારકિર્દીમાં રામસે બ્રધર્સના બેનર હેઠળ 50 થી વધુ ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરી હતી. તેમણે ઋષિ કપૂરની ક્લાસિક ફિલ્મ ‘ખોજ’થી લઈને સૈફ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘આશિક આવારા’ માટે કામ કર્યું છે.આ ઉપરાંત અક્ષય કુમારની ખિલાડીઓ કા ખિલાડી, સબસે બડા ખિલાડી, મિસ્ટર અને મિસિસ ખિલાડી જેવી હિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
તેમણે ઝીના હોરર શો સાથે આઠ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું. ‘વીરાના’, ‘પુરાની હવેલી’, ‘તહખાના’, ‘પુરાના મંદિર’ ‘બંધ દરવાજા’, ‘દો ગજ જમીન કે નીચે’, ‘સામરી’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આવી ફિલ્મોમાં કામ કરવા અને સુપરહિટ હોરર ફિલ્મો અને શો બનાવવાને કારણે તેમને હોરર ફિલ્મોના કિંગ પણ કહેવામાં આવે છે. હિન્દી ફિલ્મો સિવાય તેમણે સાઉથ એક્ટર વિષ્ણુ વર્ધનની ફિલ્મમાં પણ કામ કર્યું છે.