કંકુપગલાંના પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, બસે ગુલાંટ મારતા 2 નાં મોત, 15થી વધુ ઘાયલ- જુઓ તસવીરો
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ખબરો સામે આવે છે, ત્યારે હાલમાં જ 2-3 દિવસ પહેલા અમરેલીના બગસરા-જેતપુર હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ જતી ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ અને આ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ બસમાં કુલ 35 લોકો સવાર હતા, જેઓ કંકુપગલાંના પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અમરેલીથી 35 મુસાફર ભરેલી શ્યામ ટ્રાવેલ્સની બસ વિસાવદર તરફ જઇ રહી હતી, ત્યારે જ બગસરા-જેતપુર હાઇવે પર બગસરા શહેરથી ત્રણેક કિમી દૂર બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ પલટી મારી ગઇ.
આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થતાં તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. મૃતકોમાં ગીતાબેન હસમુખભાઈ અને આરતીબેન હિરેનભાઈનો સમાવેશ થાય છે. જ્યારે બાળકો, મહિલાઓ, યુવાનો સહિત 15.થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જેઓ સારવાર હેઠળ છે.
અકસ્માતની ઘટના જ્યારે બની ત્યારે જૂનાગઢ અને અમરેલી ઇલેક્શન ઓબ્ઝર્વર આઇપીએસ અધિકારી નઝીમ ભાસિન અહીંથી પસાર થઇ રહ્યા હતા, તેમણે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને કેટલાક વધુ ઇજાગ્રસ્ત લોકોને ઝડપથી સારવાર મળે એ માટે તરત હોસ્પિટલ ખસેડ્યા. આ પછી બગસરા PI કે.બી.જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિકો અને પોલીસ તંત્રએ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ, બગસરા અને અમરેલીની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.