હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં શહીદ થયેલ જાબાંજ લાંસ નાયક તેજાના અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહને જોઇ પરિવારનું હૈયાફાટ રુદન

પોતાના ખેતરની માટીમાં વિલીન થયા સેનાના જાબાંજ તેજા, તિરંગો લપેટી રડ્યો પરિવાર- જુઓ PHOTOS

તમિલનાડુના કન્નુર પાસે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત અને તેમની પત્ની સહિત અનેક લોકો શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લાંસ નાઈક બી સાઈ તેજાને આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના તેમના મૂળ ગામ યેગુવારેગાડીમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે રવિવારના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દેશના બહાદુર સૈનિક તેજાને તેમના ખેતરમાં દફનાવવામાં આવ્યા હતા. લાંસ નાઈક તેજાના નાના ભાઈ ચૈતન્ય, જે પોતે પણ એક આર્મીમેન છે, તેમણે અંતિમ સંસ્કાર કર્યા હતા. આ દરમિયાન સેંકડો લોકો ‘જય જવાન’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા હતા. સેનાના જવાનોએ તેજાના શરીરની આસપાસ લપેટાયેલો ત્રિરંગો તેજાની પત્નીને અર્પણ કર્યો હતો.

આ દરમિયાન તે ધ્રૂજી ગઈ હતી અને પરિવારના સભ્યોની હાલત પણ પાર્થિવ દેહ જોઇ ખરાબ થઇ ગઇ હતી. તેજાના પાર્થિવ દેહને સૈન્ય સન્માન અને બંદૂકની સલામી સાથે દફનાવવામાં આવ્યો હતો. લાંસ નાઈક તેજાના પાર્થિવ દેહને બેંગલુરુની આર્મી હોસ્પિટલમાંથી રવિવારે સવારે ફૂલોથી શણગારેલા આર્મી વાહનમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કર્ણાટક અને આંધ્રપ્રદેશની સરહદથી યેગુવારેગાડીના મૂળ ગામ સુધીના 30 કિમીના માર્ગે ત્રિરંગો લઈને શહીદ જવાનના પાર્થિવ દેહને લઈ જવાના કાફલા સાથે હજારો લોકો આવ્યા હતા. પાર્થિવ દેહ પૈતૃક વતન પહોંચતા જ હૃદયદ્રાવક નજારો જોવા મળ્યો હતો.

અંતિમ સંસ્કાર વખતે પરિવારના સભ્યો, મિત્રો અને ગ્રામજનો પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા ન હતા અને તેમની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.સેનાના અધિકારીઓ ઉપરાંત આંધ્રપ્રદેશ સરકારના અધિકારીઓએ પણ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી. લાંસ નાઈક તેજાને શ્રદ્ધાંજલિ આપવા માટે આસપાસના ગામડાઓમાંથી પણ સેંકડો લોકો એકઠા થયા હતા.

અંતિમ યાત્રા દરમિયાન લગભગ 25 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યુ હતુ. બપોરે 12 વાગ્યા આસપાસ સાંઈ તેજાના પાર્થિવ દેહના રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાઈ તેજા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના પર્સનલ સેફ્ટી ઓફિસર હતા. તે પેરા સ્પેશિયલ ફોર્સનો ભાગ હતો. તેજા જૂન 2013માં ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે અરુણાચલ પ્રદેશમાં LAC પર ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં સેવા આપી હતી.

લાંસ નાઈક તેજા મણિપુર અને નાગાલેન્ડમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં પણ સામેલ હતા. તેઓ મિશ્ર માર્શલ આર્ટ, નિઃશસ્ત્ર લડાઇ, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધમાં નિષ્ણાત હતા. બુધવારે તમિલનાડુમાં આર્મી MI17V5 હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત, તેમની પત્ની, બ્રિગેડિયર લિડર અને 10 અન્ય સંરક્ષણ કર્મચારીઓ માર્યા ગયા હતા. દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ લાંસ બી. નાઈક સાઈ તેજાના પરિવારને રૂ. 50 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

સાઈ તેજાએ ચીન-ભારત સરહદ પર અરુણાચલમાં સુપર હાઈ એલ્ટિટ્યુડ પર સેવા આપી હતી. સાઈ તેજા મિક્સ્ડ માર્શલ આર્ટ્સ કલા, નિઃશસ્ત્ર લડાઇ, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધના નિષ્ણાત હતા. તેણે 2015માં શ્યામલા સાથે લગ્ન કર્યા હતા, તેને બે બાળકો છે, 4 વર્ષનો પુત્ર મોક્ષગન અને 2 વર્ષની પુત્રી દર્શિની.

Shah Jina