ભાદરવી પૂનમ ઉપર મા અંબાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અંબાજી જતા હોય છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષોથી આ મેળો જામ્યો નહોતો પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો હોવાના કારણે માઇભક્તોમાં ખુશીની લહેર છે અને દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા માટે ભક્તો પદયાત્રા કરીને આવી રહ્યા છે, ત્યારે ગત રોજ પદયાત્રીઓને નડેલા એક અકસ્માતની ખબર સામે આવી હતી, જેમાં 7 લોકોને એક કાર ચાલકે કચડી નાખ્યા હતા.
હજુ એ 7 લોકોની ચિતાની આગ ઠંડી નથી પડી ત્યાં વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં કાર ચાલકે 2 લોકોને કચડી નાખ્યા અને તેમના મોત નિપજ્યા છે. આ ગોઝારો અકસ્માત બનાસકાંઠાના લાખણી- ડીસા હાઇવે ઉપર ભીમજી ગોળીયા ગામ પાસે સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે દોડી રહેલી એક જીપે બે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં એક પદયાત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બીજા પદયાત્રીએ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

ત્યારે આ મામલે આગથળા પોલીસે અકસ્માત સર્જનાર જીપ ચાલાક વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, મળી રહેલી માહિતી અનુસાર બંને મૃતકો થરાદના પડાદર અને ઝેટા ગામના રહેવાસી છે. જેમાં 8 લોકો ભાદરવી પૂનમના મેળામાં સામેલ થવા અને મા અંબાના દર્શન કરવા માટે પગપાળા જ અંબાજી જઈ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગત રોજ પણ એક એવા જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. જેમાં 6 પદયાત્રીઓ સહીત 1 સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. ઉપરાંત 6 પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થતા માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા.