પૈસાની તંગીના કારણે આ દીકરી બની પોલીસ કોન્સ્ટેબલ, પરંતુ મહેનત એવી કરી કે આજે DSP બનતા જ જેને સલામ કરતી હતી એ પણ હવે તેને સલામ કરે છે

પોતાના સપના પુરા કરવા માટે દરેક વ્યક્તિ ખુબ જ મહેનત કરતું હોય છે, પરંતુ ઘણીવાર પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે સપનાને મારી નાખવા પડે છે અને પરિસ્થિતિના સહારે જ ચાલવું પડે છે. તમે ઘણા લોકોની કહાની સાંભળી હશે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાને કારણે સારું ભણતર પણ ના મેળવી શક્યા, તો ઘણા લોકો એવા પણ હોય છે જે ભલે પરિસ્થિતિ સામે થોડા ઝૂકી જાય પરંતુ આગળ જતા તે પોતાના સપનાને ચોક્કસ પુરા કરે છે, હાલ એવી જ એક દીકરીની કહાની સામે આવી છે, જેને કોન્સ્ટેબલથી લઈને DSP સુધીની સફર ખેડી.

બિહારના બેગુસરાય જિલ્લા દળની મહિલા કોન્સ્ટેબલ બબલી કુમારીની 66મી BPSC પરીક્ષામાં પસંદગી થઈ છે. તેણે 208 રેન્ક મેળવ્યો છે અને તે પોતાના જ જિલ્લામાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. ઘર ચલાવવાની સાથે સાથે તે અભ્યાસ માટે પણ સમય કાઢી રહી હતી, કારણ કે તેણે BPSCનો ધ્યેય પૂરો કરવાનો હતો. તેણે સખત મહેનત અને સમર્પણ સાથે તૈયારી કરવાનું ચાલુ રાખ્યું અને આજે પરિણામ પછી તે મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે. વાલીઓ, વિભાગ અને પરિવાર સાથે જિલ્લામાં ખુશીનો માહોલ છે.

એક બાળકની માતા બબલીએ પોતાની ફરજ અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે અભ્યાસ ચાલુ રાખ્યો. તેની મહેનત રંગ લાવી અને બબલીએ BPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરીને DSP માટે ક્વોલિફાય કર્યું. બબલીનું કહેવું છે કે તેના લગ્ન 2013માં થયા હતા. વર્ષ 2015માં તેને કોન્સ્ટેબલની નોકરી મળી.

બેગુસરાય ડિસ્ટ્રિક્ટ ફોર્સમાં કામ કરી રહેલી બબલી આગામી થોડા દિવસોમાં ડીએસપીની ટ્રેનિંગ માટે રાજગીર જવાની છે. આ અંગે બેગુસરાયના એસપી યોગેન્દ્ર કુમારે કોન્સ્ટેબલ બબલી કુમારીનું તેમના ઓફિસ રૂમમાં સન્માન કર્યું હતું અને આવનારા દિવસો માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

એસપી યોગેન્દ્ર કુમારે જણાવ્યું કે બબલી કુમારી મૂળ ગયા જિલ્લાની રહેવાસી છે. હાલમાં બેગુસરાય પોલીસ લાઈન્સમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. ખાસ વાત એ છે કે બબલી કુમારી પોતાના પતિ અને પિતાની ઈચ્છા પૂરી કરવા માટે સતત મહેનત કરતી રહી. બબલીએ કહ્યું કે આર્થિક તંગીના કારણે તેણે સરકારી નોકરી કરવાનું વિચાર્યું અને પછી કોન્સ્ટેબલ બની.

એસપીએ કહ્યું કે બબલીએ એક તરફ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી, તો બીજી તરફ તેણે દૂધપીતા બાળક માટે માતાની ફરજ અદા કરતાં BPSCની તૈયારી પણ કરી. એસપી યોગેન્દ્ર કુમારે કહ્યું કે પોલીસ વિભાગના તમામ જવાનોએ બબલી કુમારી પાસેથી શીખવું જોઈએ અને તેઓએ વધુ મહેનત કરવી જોઈએ જેથી તેઓ તેમના સપના સાકાર કરી શકે.

Niraj Patel