વડોદરામાં પોતાની જાત સાથે લગ્ન કરનારી ક્ષમા બિંદુને હવે છોડવું પડ્યું ઘર, શહેર અને નોકરી.. જુઓ શું કહ્યું ?

વડોદરાની ક્ષમા બિંદુ પોતાની જાત સાથે લગ્ન કરવાનો નિર્ણય કરીને ખુબ જ ચર્ચામાં આવી ગઈ હતી. વિરોધો વચ્ચે પણ તેણે પોતાની જાત સાથે લગ્ન કરી લીધા અને પોતાના જ હાથે પોતાની માંગમાં સિંદૂર ભરી દીધું. તેના લગ્નની અંદર તેની કેટલીક બહેનપણીઓ હાજર રહી હતી, ત્યારે હજુ પણ ક્ષમાના આત્મલગ્નના વિરોધ ઓછા નથી થયા.

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેનારી ક્ષમા બિંદુને હવે પોતાનું ઘર છોડવું પડ્યું છે, આ સાથે જ તેને સ્વેચ્છાએ નોકરી પણ છોડી દીધી અને હવે તેને વડોદરા શહેર પણ છોડી દીધું છે. તે જે ભાડાના ઘરમાં રહેતી હતી તેના આડોશ પાડોશના લોકો પણ આ સોલોગામીના લગ્નનો વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે મકાન માલિકે ત્રણ દિવસ પહેલા જ તેને ઘર ખાલી કરાવ્યું.

મીડિયા સાથે વાતચીત કરતા ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે સોસાયટીવાળાનું દબાણ હોવાના કારણે મકાન માલિકે તેનું ઘર ખાલી કરાવ્યું હતું. તેણે એમ પણ જણાવ્યું કે તેને ત્રણ ચાર દિવસ પહેલા જ ઘર ખાલી કરી દીધું છે અને વડોદરા શહેરને પણ અલવિદા કહી દીધું છે. જે ઓનલાઇન નોકરી તે કરતી હતી તે પણ તેણે સ્વેચ્છાએ છોડી દીધી છે.

ક્ષમાએ જણાવ્યું કે હાલ તે ક્યાં શહેરમાં રહે છે તે કોઈને જણાવશે નહિ. આ ઉપરાંત તેને એમ પણ જણાવ્યું કે તેને એક મહિના માટે જ વડોદરા છોડ્યું છે અને તે પાછી પણ આવશે. ક્ષમા બિંદુ હાલ બીજી નોકરી શોધી રહી છે. ક્ષમા બિંદુએ લગ્ન બાદ પોતાના હનીમૂનની પણ ઘણી તસવીરો શેર કરી હતી, જેમાં તે પોતાની જાત સાથે આનંદ માણતી જોવા મળી હતી.

પોતાની જાત સાથેના લગ્નને લઈને ક્ષમા બિંદુએ કહ્યું કે જો તમે વૃક્ષ સાથે લગ્ન કરી શકો છો, પ્રાણી સાથે લગ્ન કરી શકો છો, સજાતીય લગ્ન કરી શકો છો તો પોતાની જાત સાથે કેમ નહિ. મેં મારી ખુશી માટે આત્મવિવાહ કરવાનો નિર્ણય લીધો છે. હું ત્યારે પણ ખુશ હતી અને આજે પણ ખુશ છું અને મારા નિર્ણય ઉપર મક્કમ છું.

Niraj Patel