રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. ખાનગી બેંક પર ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય નવા ગ્રાહકો જોડવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, RBI એ પણ નિર્દેશ આપ્યો છે કે કોટક મહિન્દ્રા બેંકે તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના વર્તમાન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખે. આરબીઆઈએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.
જે મુજબ, ‘ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને કોટક મહિન્દ્રા બેંક લિમિટેડને તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આમાં (i) નવા ગ્રાહકોને ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ચેનલો દ્વારા ઓનબોર્ડ કરવા અને (ii) નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનો સમાવેશ થાય છે. જો કે, બેંક તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો સહિત તેના વર્તમાન ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈનો નિર્ણય 2022 અને 2023 માટે સતત બે વર્ષનાં મોનિટરિંગ પછી આવ્યો છે.
આ દરમિયાન આરબીઆઈને બેંકમાં ઘણી નોંધપાત્ર ખામીઓ અને બિન-અનુપાલન જોવા મળ્યા હતા. બેંક આ ચિંતાઓને વ્યાપક અને સમય પર સમાધાન કરવામાં નાકામયાબ રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022 અને 2023 માટે બેંકના IT ઓડિટ દ્વારા ઉઠાવવામાં આવેલી નોંધપાત્ર ચિંતાઓ અને સમયસર અને યોગ્ય રીતે આ ચિંતાઓનો સામનો કરવામાં બેંકની સતત નિષ્ફળતાને આધારે આ પગલાં જરૂરી છે.
આરબીઆઈએ જણાવ્યું હતું કે, ‘આઈટી ઈન્વેન્ટરી મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટા લીક નિવારણ વ્યૂહરચના, વ્યાપાર સાતત્ય અને કટોકટી પછીના પુનઃપ્રાપ્તિ પ્રયાસોના ક્ષેત્રોમાં ગંભીર ખામીઓ અને બિન-અનુપાલન જોવા મળ્યા હતા.’ કહેવામાં આવ્યુ છે કે સતત બે વર્ષ, બેંકને IT જોખમ અને માહિતી સુરક્ષા કામગીરીમાં નિયમનકારી માર્ગદર્શિકા હેઠળની જરૂરિયાતોથી વિપરીત ખામીઓ જોવા મળી. કોટક મહિન્દ્રા બેંકને તેના ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા અને નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જો કે, બેંક તેના વર્તમાન ક્રેડિટ કાર્ડ ધારકો સહિત તેના ગ્રાહકોને સેવાઓ આપવાનું ચાલુ રાખશે. ત્યારે RBIની કાર્યવાહી બાદ ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના શેર તૂટ્યા છે. શેરબજાર ખુલતાની સાથે જ બેંકના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત થતાં જ કોટક મહિન્દ્રા બેન્કનો શેર 1675ના સ્તરે 9.08 ટકાના ઘટાડા સાથે ખૂલ્યો હતો અને માત્ર 5 મિનિટમાં જ 10 ટકા ઘટ્યો. કોટક બેંક સ્ટોક 184 રૂપિયા તૂટી 1658 પર આવી ગયો. આ પહેલા બુધવારે આ સ્ટોક ગ્રીન નિશાન પર બંધ થયો હતો.