કેકેના મોઢા અને માથા ઉપર મળ્યા વાગવાના નિશાન, શું છે મૃત્યુનું સાચું રહસ્ય? પોલીસે નોંધ્યો કેસ

પંજાબના લોકપ્રિય ગાયક સિદ્ધુ મુસેવાલાની થોડા દિવસ જ ગોળીઓ મારીને હત્યા  કરી દેવામાં આવી હતી, ચાહકો હજુ સિદ્ધુના નિધનના શોકમાં હતા ત્યાં જ ગઈકાલે મોડી રાત્રે એક બીજી ખબર આવી કે બોલીવુડના લોકપ્રિય ગાયક કેકે હવે આ દુનિયામાં નથી રહ્યા, જેના બાદ ચાહકોને પણ આ વાતનો ધ્રાસ્કો લાગ્યો હતો.

પોતાના નિધનના થોડા કલાકો પહેલા જ તે એક લાઈવ સ્ટેજ શો કરી રહ્યા હતા, અને આ લાઈવ સ્ટેજ શો દરમિયાન જ તેની તબિયત ખરાબ થઇ અને તેનું નિધન થયું છે, કોલકાતામાં નઝરુલ મંચ ખાતે કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે ગાયક બીમાર પડી ગયો હતો. જે બાદ તે હોટેલ પરત ફર્યો અને પડી ગયો. રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેને કલકત્તા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMRI) લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કેકેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

કેકેના નિધન બાદ ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે કેકે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેના માથા પર ઈજાના નિશાન હતા. જોકે આ તમામ બાબતો પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે. મળતી માહિતી મુજબ, થોડા સમય પછી એસએસકેએમ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ શરૂ થશે.

પ્રખ્યાત ગાયક કેકેના મૃત્યુ બાદ પોલીસે કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટના  જણાવ્યા અનુસાર પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેકેના ચહેરા અને માથા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસ આયોજકો અને હોટેલ સ્ટાફની પૂછપરછ કરી શકે છે.

મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેકેને બે ઈજાઓ થઈ છે. એક ઈજા તેના કપાળ પર અને બીજી તેના મોઢાની આસપાસ છે. ઇજાઓ વિશે વધુ વિગતો પોસ્ટમોર્ટમ પછી ઉપલબ્ધ થશે. આ સાથે તબીબોનું કહેવું છે કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ઓડિટોરિયમમાં લોકોની સંખ્યા મર્યાદા કરતા વધારે હતી. એસી કામ કરતું હતું કે નહીં. આ ઉપરાંત, પોલીસ આવી પરિસ્થિતિની પણ તપાસ કરી રહી છે, જેના કારણે પર્ફોમન્સ દરમિયાન કેકે બીમાર પડ્યા હતા.

સિંગર કેકેના પાર્થિવ દેહને ખાનગી હોસ્પિટલમાંથી બપોરે 12 વાગ્યે SSKM હોસ્પિટલમાં લઈ જવામાં આવશે, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ કે.કે.ના માથા અને મોં પર થયેલી ઈજાઓ વિશે વધુ માહિતી મળી શકશે. ગાયક કેકેના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરા છે. કેકેના મૃત્યુ બાદ તેનો પરિવાર મુંબઈથી કોલકાતા પહોંચી રહ્યો છે.

Niraj Patel