કિશન ભરવાડને ન્યાય અપાવવા માટે રાજકોટમાં યોજાયેલી રેલી બની હિંસક, રાજુલામાં પાડવામાં આવ્યું સજ્જડ બંધ

ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ થયેલ માલધારી યુવક કિશન ભરવાડની હત્યાના પડઘા આખા ગુજરાતની અંદર પડી રહ્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર કિશનને ન્યાય મળે તે માટેની માંગ ઉઠી રહી છે અને ઘણી જગ્યાએ રેલીઓ પણ યોજવામાં આવી રહી છે તો ઘણી જગ્યાએ બંધ પણ પાડવામાં આવી રહ્યું છે.

માલધારી સમાજ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન આપીને કિશન ભરવાડને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી, તો અમદાવાદમાં પણ માલધારી સમાજે કલેકટર કચેરીએ નારા લગાવીને કિશનના હત્યાના કાવતરામાં સંડોવાયેલા આરોપીઓનું એન્કાઉન્ટર કરવાની પણ માંગ કરી હતી. આ ઉપરાંત રાજુલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના તેમજ હિંદુ સંગઠનોએ આજે બંધનું એલાન કર્યું હતું, જેના બાદ આજે રાજુલામાં સજ્જડ બંધ જોવા મળ્યું.

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં રેલીઓ યોજી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં કિશનને ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજકોટમાં રેસકોર્સ રોડ ઉપર થઈને કલેકટર કચેરીએ જતા રસ્તા ઉપર માલધારી સમાજનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. માલધારી સમાજ સાથે હિન્દૂ સંગઠનો અને સ્થાનિક યુવાનો પણ રેલીમાં મોટી સંખ્યાની અંદર જોડાયા હતા.

આ દરમિયાન “કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિન્દુ સંસ્કૃતિ જિંદાબાદ”ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટમાં તો દેખાવો કરી રહેલા ટોળા પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો અને તેના પરિણામ સ્વરૂપ કેટલાક યુવાનોને ઈજા થતા માહોલ પણ ગરમાયો હતો.

રાજકોટમાં ચાલી રહેલી આ રેલી ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા નાસભાગ પણ મચી ગઈ હતી. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. એક વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે, એક પોલીસ કર્મચારી ઉગ્ર બની આને હાથમાં રિવોલ્વર કાઢીને દેખાવકારો પાછળ દોડ્યો હતો.

દેખાવકારો પાછળ રિવોલ્વર લઈને દોડતો પોલીકર્મી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હજુ આ બાબતની કોઈ પુષ્ટિ નથી થઇ. પોલીસકર્મીને રિવોલ્વર સાથે ભાગતા જોઈને લોકોમાં પણ ઊંડો આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા યુવાનોના વાહનોમાં પર લાઠીઓ ફટકારવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે તો કેટલાક યુવાનોના વાહનોમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

તો બીજી તરફ ધંધુકા  હત્યાકાંડ કેસના ઘેરા પ્રત્યાઘાત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ પડેલા જોવા મળ્યા. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં ટોળુ ધસી આવતા જૂથ અથડામણ થઇ હતી. જેના બાદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાઇરલ કરનાર શખ્સ સહિત 6 લોકોની અટકાયત કરી છે.

Niraj Patel