ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે અવાર નવાર તેના કાર્યક્રમો અને તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. આજે પણ કિંજલ ખૂબ જ ચર્ચામાં છે. જો કે, આ વખતે તેની ચર્ચાનું કારણ બીજુ કંઇ નહિ પણ તેની સગાઇ તૂટવાનું છે. કિંજલ દવેએ લગભગ 5 વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ કરી હતી અને તે બાદથી દવે અને જોશી પરિવાર ખુબ જ ખુશ હતો.
કિંજલ અવાર નવાર તેના ભાવિ પતિ પવન જોશી સાથે ઘણી તસવીરો પણ શેર કરતી હતી.આ ઉપરાંત પવન પણ કિંજલ દવે સાથે ઘણી તસવીરો શેર કરતો હતો. બંને વિદેશ પ્રવાસ પર પણ સાથે જતા હતા. ત્યારે હવે એવી ખબર છે કે પવન જોશી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ છે.
જણાવી દઇએ કે, કિંજલની સગાઈ સાટા રિવાજ અનુસાર તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે નક્કી થઇ હતી અને પવન જોશીની બહેનની સગાઈ કિંજલ દવેના ભાઈ આકાશ સાથે નક્કી થઇ હતી.સગાઇ બાદથી બંને પરિવાર અવાર નવાર દરેક પ્રસંગોમાં સાથે જોવા મળતો અને ખુબ જ ધામધૂમથી ઉજવતો પણ હતો. જન્મદિવસ પર પણ બંને પરિવાર સાથે જોવા મળતો.
કિંજલ અને પવન સિવાય કિંજલ દવેના ભાઇ આકાશ દવેને પણ તેની ફિયાન્સી એટલે કે પવન જોશીની બહેન સાથે કેટલીકવાર સ્પોટ કરવામાં આવ્યો છે. ત્યારે કિંજલ અને પવને ગયા વર્ષે જ તેમની સગાઈના 4 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ઉજવણી પણ કરી હતી અને સોશિયલ મીડિયા પર ઘણી બધી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.ચાહકો પણ આ જોડીને ખુબ જ પ્રેમ આપતા હતા પણ હવે આટલા વર્ષે તેમની સગાઇ તૂટવાની ખબરથી ચાહકો પણ આઘાતમાં છે.
ત્યારે મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કિંજલ અને પવનની સગાઈ તૂટવા પાછળનું કારણ પવન જોશીની બહેન છે. પવન જોશીની બહેન કે જેની સગાઇ આકાશ દવે સાથે થઇ હતી તેણે કોઈ અન્ય વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે અને આને કારણે કિંજલ અને પવનની પણ સગાઇ તૂટી છે.જો કે આ મામલે હજુ કિંજલ દવે અને તેના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.
પણ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પવન જોશી સાથેની બધી તસવીરો ડિલીટ કરી દીધી છે અને આ સાથે આકાશ દવેએ પણ થવાવાળા જીજાજી પવન સાથેની તસવીરો ડિલીટ કરી દીધી છે. આ ઉપરાંત પવન જોશીએ પોતાનું એકાઉન્ટ પણ પબ્લિકમાંથી પ્રાઇવેટ કરી નાખ્યું છે.
ત્યારે હવે આટલી મોટી ખબર સામે આવ્યા બાદ ચાહકો હવે આ મામલે કિંજલ દવેના નિવેદનની રાહ જોઈ રહ્યા છે. કિંજલ દવેની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી કિંજલ ગુજરાતી ગાયિકીનું એક ખુબ જ મોટું નામ છે.
તેના ગીતોને ચાહકો ખૂબ જ પ્રેમ આપે છે. કિંજલ દવેનો ગુજરાતમાં જ નહિ પણ દેશ વિદેશમાં પણ વટ્ટ પડે છે. કિંજલ વિદેશમાં કાર્યક્રમો પણ કરે છે અને તેના લાઈવ કાર્યક્રમો નિહાળવા મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડતી હોય છે.